અયોધ્યા વિવાદ કેસમાં આજે ‘સુપ્રીમ’ ચુકાદોઃ આખા દેશમાં હાઈ એલર્ટ ઘોષિત

નવી દિલ્હી – દેશના વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળ પાંચ-જજની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દાયકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં આજે બહુપ્રતિક્ષિત ચુકાદો આપવાની છે. આને ધ્યાનમાં રાખીને આજે દેશભરમાં સુરક્ષા માટે હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

પાંચ-જજની બેન્ચ પર અન્ય ચાર જજ છેઃ શરદ બોબડે, ડી.વાય. ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ.એ. નઝીર.

ચુકાદો આજે સવારે 10.30 વાગ્યે આપવામાં આવે એવી ધારણા છે. એ વિશેની નોટિસ શુક્રવારે સાંજે સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવી હતી.

આ પાંચ જજોએ 40-દિવસ સુધી દૈનિક ધોરણે સુનાવણી પૂરી કર્યા બાદ એમનો ચુકાદો અનામમત રાખ્યો હતો, જે હવે આજે જાહેર કરનાર છે, કારણ કે ગોગોઈ 17 નવેંબરે સેવાનિવૃત્ત થાય છે.

ચુકાદો વહેલો, 9 નવેંબરના શનિવારે આપવાનો નિર્ણય ગોગોઈએ લીધો હતો. એ પહેલાં તેઓ ઉત્તર પ્રદેશના ટોચના અધિકારીઓને મળ્યા હતા. એ સૌને એમણે શુક્રવારે પોતાની ચેંબરમાં બોલાવ્યા હતા અને અયોધ્યા શહેર તેમજ વિવાદાસ્પદ સ્થળ ખાતે તેમજ સમગ્ર દેશમાં સુરક્ષાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

સત્તાવાળાઓએ સુપ્રીમ કોર્ટ સંકુલમાં તેમજ એની આસપાસ સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દેશના ચીફ જસ્ટિસ ગોગોઈના નિવાસસ્થાનની બહાર પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત અયોધ્યા શહેરમાં, સમગ્ર ઉત્તર પ્રદેશ, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ગઈ કાલે રાતથી જ મોબાઈલ ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, જમ્મુ-કશ્મીરમાં તમામ શાળા-કોલેજો આજે બંધ રાખવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે જ અનેક ટ્વીટ કરીને દેશની જનતાને અપીલ કરી હતી કે અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે કંઈ પણ આવે, એ કોઈની હાર કે જીત નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા સૌની એ પ્રાથમિક ફરજ રહે કે નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદ્દભાવનાની મહાન પરંપરાને બળ આપેઃ

આજે સુપ્રીમ કોર્ટમાં નોન-વર્કિંગ દિવસ છે તે છતાં ચુકાદાની જાહેરાત કરવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવતાં દેશના કાયદાજગતમાં આશ્ચર્ય ફેલાયું છે.

સુપ્રીમ કોર્ટના એક સિનિયર એડવોકેટ સંજય હેગડેનું કહેવું છે કે મને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં 30 વર્ષ થઈ ગયા છે અને રજાના દિવસે કોર્ટે ચુકાદો આપ્યો હોય એવું મને યાદ નથી. આ પહેલો જ પ્રસંગ છે.

અયોધ્યા વિવાદ કેસમાં એક પક્ષકાર બનેલી હિન્દુ મહાસભા સંસ્થાના એડવોકેટ વિષ્ણુ જૈને કહ્યું કે ચુકાદાની જાહેરાત રજાના દિવસે કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. સુરક્ષાના કારણે આ નિર્ણય લેવાયો છે, કારણ કે રજાના દિવસે કોર્ટમાં વકીલો ઓછી સંખ્યામાં હોય અને કોર્ટ રૂમમાં ભીડને અંકુશમાં રાખવાનું આસાન બની રહે. આ વિવાદ 135 વર્ષ જૂનો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]