ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનું કારણ શું છે?

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષની આગ ફરી એકવાર ભડકી છે. શનિવારે સવારે ગાઝા પટ્ટી પર કબજો મેળવનાર હમાસના લડવૈયાઓએ દાવો કર્યો હતો કે તેઓએ 20 મિનિટમાં ઇઝરાયેલના શહેરો પર સતત 5 હજાર રોકેટ છોડ્યા હતા. હમાસના વડા દૈફે હુમલાની જવાબદારી લીધી છે અને ‘ઓપરેશન’ને અલ અક્સા સ્ટોર્મ નામ આપ્યું છે. મોહમ્મદ દૈફે કહ્યું, અમે પહેલાથી જ દુશ્મનને ચેતવણી આપી દીધી છે. ઇઝરાયલીઓએ અમારા લોકો વિરુદ્ધ સેંકડો નરસંહાર કર્યા છે. તેમણે આગળ કહ્યું, અમે ઓપરેશન અલ અક્સા ફ્લડની શરૂઆતની જાહેરાત કરીએ છીએ. અમે જાહેરાત કરીએ છીએ કે દુશ્મનના લક્ષ્યો, એરપોર્ટ, સૈન્ય ઠેકાણાઓ પર અમારા પ્રથમ હુમલામાં પાંચ હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પણ હુમલા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ દ્વારા કહ્યું, “ઈઝરાયેલ યહૂદી તહેવારોના દિવસે બેવડા હુમલાની ઝપેટમાં છે. હમાસના ઉગ્રવાદીઓ અને રોકેટ બંને હુમલાઓ કરી રહ્યા છે.

સંઘર્ષનું કારણ?

વર્ષ 1947માં સંયુક્ત રાષ્ટ્રએ પેલેસ્ટાઈનને બે ભાગમાં વહેંચી દીધું. તેનો એક ભાગ યહૂદીઓને આપવામાં આવ્યો હતો જ્યારે બીજો ભાગ આરબ સમુદાયના લોકોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટાભાગના ઇસ્લામનું પાલન કરે છે. 14 મે, 1948 ના રોજ, યહૂદીઓએ તેમના ભાગને એક અલગ દેશ જાહેર કર્યો, જેનું નામ ઇઝરાયેલ હતું. આરબ સમુદાય આ નિર્ણયથી ખુશ ન હતો, તેથી યુદ્ધની ઘોષણા કરવામાં આવી અને લાખો પેલેસ્ટિનિયનો બેઘર બન્યા.

યુદ્ધ પછી, સમગ્ર વિસ્તાર (ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન) ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. પેલેસ્ટાઈનને વેસ્ટ બેંક અને ગાઝા પટ્ટીનો વિસ્તાર મળ્યો. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ઇજિપ્તની વચ્ચે છે. આ પટ્ટી એક નાનો પેલેસ્ટિનિયન વિસ્તાર છે. તે ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચે ભૂમધ્ય સમુદ્ર કિનારે સ્થિત છે. પેલેસ્ટાઈન એ આરબ અને બહુમતી મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. આ તમામ લોકો પ્રથમ આરબ-ઇઝરાયેલ યુદ્ધના શરણાર્થી અને તેમના વંશજો છે.

સપ્ટેમ્બર 2005 માં, ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયેલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝા પટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ. ગાઝા વિસ્તાર પર પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસનો કબજો છે, જ્યારે પશ્ચિમ કાંઠા પર ઈઝરાયેલનો કબજો છે. ઇઝરાયેલે યુદ્ધમાં જેરુસલેમ શહેર પણ કબજે કર્યું અને શહેરના પશ્ચિમ ભાગમાં વિસ્તાર્યું.

પેલેસ્ટાઈન જેરુસલેમને રાજધાની બનાવવા માંગે છે, આ સિવાય અરબ સમુદાયના લોકો જેરુસલેમને પવિત્ર સ્થળ માને છે કારણ કે અહીં અલ-અક્સા મસ્જિદ આવેલી છે. આ શહેર યહૂદીઓમાં પણ પવિત્ર માનવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ મુદ્દે શાંતિ મંત્રણા ચાલી રહી છે પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.