અમદાવાદ: સાબરમતી જેલે તથ્ય પટેલને કેદી નંબર – 8683 નંબરની તેની નવી ઓળખ આપી દીધી છે. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ 8626 નંબર આપી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે અકસ્માત બાદ તથ્યના બળાત્કારી પિતા પ્રજ્ઞેશે પુત્રને બચાવવા માટે અનેક કોશિશો કરી હતી. જોકે પોલીસે ગણતરીના દિવસોમાં બાપ બેટાને જેલ હવાલે કર્યા છે.
આજે એટલે કે 24 જૂલાઇએ તથ્ય પટેલનાં રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.જ્યારે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. આ મામલે પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થયા છે. આ સાથે જ આજે FSL રીપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડ અંગે ખુલાસો થયો છે. જેમાં તથ્ય પટેલની જગુઆર કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું હતુ. આજે આ કેસમાં તથ્યના રિમાન્ડ પુરા થતા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી ન કરાતા કોર્ટે તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.
હવે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ બંને સાબરમતી જેલના સળીયા ગણતા રહેશે. આ જેલમાં તથ્ય પટેલ કેદી નંબર 8683ના નામથી ઓળખાશે. પિતા-પુત્રને અલગ-અલગ રાખવામાં આવ્યા છે કે, એક જ સેલમાં રાખવામાં આવ્યા છે, તે અંગેની માહિતી સામે આવી નથી. જોકે, સુત્રોના હવાલાથી મળી રહેલી જાણકારી અનુસાર, બંને બાપ-બેટાને અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, તથ્ય પટેલે બેફામ ડ્રાઇવિંગ કરીને સર્જેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે.