IPL 2025 : કોલકાતાએ દિલ્હી કેપિટલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી

IPL 2025 ની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતાની ટીમ 14 રનથી જીતી ગઈ. આ સાથે દિલ્હીને ફરી એકવાર ઘરઆંગણે હારનો સામનો કરવો પડ્યો. કોલકાતા નાઈટ રાઇડર્સે આ જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ મેચમાં KKR ની જીતનો સૌથી મોટો હીરો સુનીલ નારાયણ હતો. તેણે બેટ અને બોલ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું.

KKR એ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા

દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ KKRના બેટ્સમેનોએ તેમને ખોટા સાબિત કર્યા. KKR ના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝ અને સુનીલ નારાયણે નાઈટ રાઈડર્સને પ્રથમ ત્રણ ઓવરમાં 48 રન ઉમેરીને ઝડપી શરૂઆત અપાવી. આ પછી અજિંક્ય રહાણેએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો. અંગક્રિશ રઘુવંશી અને રિંકુ સિંહની શાનદાર ઇનિંગ્સ અને બંને વચ્ચેની અડધી સદીની ભાગીદારીએ KKR ને 200 રનના આંકને પાર પહોંચાડ્યો.

KKR તરફથી અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. જ્યારે, રિંકુ સિંહે 36 રનનું યોગદાન આપ્યું. આ પહેલા ગુરબાઝે 26 રન અને નારાયણે 27 રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણેએ પણ 26 રનની ઇનિંગ રમી. બીજી તરફ, દિલ્હી તરફથી મિશેલ સ્ટાર્કે સૌથી વધુ 3 વિકેટ લીધી. વિપ્રાજ નિગમ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. આ ઉપરાંત ચમીરાને એક વિકેટ મળી.

દિલ્હીના બેટ્સમેન નિષ્ફળ ગયા

205 રનનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેણે ફક્ત 4 રનમાં પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. આ પછી કરુણ નાયર અને કેએલ રાહુલ ખાસ કંઈ કરી શક્યા નહીં અને તેમની વિકેટ ગુમાવી દીધી. જોકે ફાફ ડુ પ્લેસિસ અને કેપ્ટન અક્ષર પટેલે લડાયક ઇનિંગ્સ રમી હતી. ફાફ ડુ પ્લેસિસે 45 બોલમાં 62 રન અને અક્ષર પટેલે 23 બોલમાં 43 રન બનાવ્યા. આ સિવાય બાકીના બધા બેટ્સમેન ફ્લોપ રહ્યા, જેના કારણે દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 190 રન જ બનાવી શકી. બીજી બાજુ સુનીલ નારાયણ પણ બોલિંગમાં સફળ રહ્યા. તેણે 4 ઓવરમાં 29 રન આપીને 3 બેટ્સમેનોની વિકેટ લીધી. તેમના ઉપરાંત વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ, વૈભવ અરોરા, આન્દ્રે રસેલ અને અનુકુલ રોયે 1-1 વિકેટ લીધી.