IPL 2023 : રોમાંચક મેચમાં લખનૌએ મુંબઈને 5 રને હરાવ્યું

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 રને જીત મેળવી હતી. 178 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે એક સમયે 90 રનના સ્કોર સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી. જોકે, રોહિત અને ઈશાન પેવેલિયન પરત ફરતાં લખનૌની ટીમને મેચમાં પરત ફરવાનો મોકો મળ્યો અને તેણે 5 રને મેચ જીતી લીધી. મુંબઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવી શકી હતી. લખનૌ તરફથી બોલિંગમાં રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી.


મુંબઈને છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા

છેલ્લી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 11 રનની જરૂર હતી. સેટ બેટ્સમેન ટિમ ડેવિડ અને વિસ્ફોટક ખેલાડી કેમરોન ગ્રીન ક્રિઝ પર હતા. લખનૌના કેપ્ટને બોલ મોહસીન ખાનને આપ્યો હતો. પછી શું હતું મોહિસને અદ્ભુત કર્યું અને મુંબઈને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો. આ ઓવરમાં મુંબઈના બેટ્સમેનો એક બાઉન્ડ્રી પણ ફટકારી શક્યા ન હતા.

રોહિત અને ઈશાને મુંબઈને શાનદાર શરૂઆત અપાવી હતી

178 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશનની શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ સાથે મળીને પ્રથમ 6 ઓવરમાં કોઈપણ નુકશાન વિના ટીમનો સ્કોર 58 રન સુધી પહોંચાડ્યો હતો. આ પછી જ્યારે 8 ઓવરની રમત પૂરી થઈ ત્યારે મુંબઈનો સ્કોર 74 રન પર પહોંચી ગયો હતો.

આ મેચમાં મુંબઈને પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં ઇનિંગ્સની 10મી ઓવરમાં 90 રનના સ્કોર પર લાગ્યો હતો. આ મેચમાં લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ રોહિત શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. રોહિત 25 બોલમાં 37 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.


લખનૌને વાપસીનો મોકો મળ્યો, મુંબઈના રન રેટ પર બ્રેક લાગી

રોહિત શર્માના પેવેલિયન પરત ફરતા લખનૌની ટીમને પણ આ મેચમાં વાપસી કરવાનો મોકો મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની બીજી વિકેટ 103ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પડી જે 59 રન બનાવીને રવિ બિશ્નોઈનો શિકાર બન્યો. અહીંથી મુંબઈના રન રેટ પર બ્રેક જોવા મળી હતી. 115ના સ્કોર પર મુંબઈને ત્રીજો ફટકો સૂર્યકુમાર યાદવના રૂપમાં લાગ્યો હતો જે 7 રન બનાવીને યશ ઠાકુરના હાથે બોલ્ડ થયો હતો. 131ના સ્કોર પર મુંબઈને ચોથો ફટકો નેહલ વાઢેરાના રૂપમાં લાગ્યો હતો, જે 16 રન બનાવીને મોહસીન ખાનનો શિકાર બન્યો હતો. આ પછી ટીમે 145ના સ્કોર પર વિષ્ણુ વિનોદના રૂપમાં તેની 5મી વિકેટ ગુમાવી હતી.


મુંબઈને જીતવા માટે છેલ્લી 2 ઓવરમાં 30 રનની જરૂર હતી

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 18 ઓવરના અંતે 5 વિકેટના નુકસાન પર 148 રન બનાવ્યા હતા. આ પછી, 19મી ઓવરમાં, ટીમે 2 છગ્ગા અને ચોગ્ગાની મદદથી કુલ 19 રન બનાવીને મેચમાં સંપૂર્ણ વાપસી કરી હતી. ઈનિંગની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે માત્ર 11 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 5 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી બોલિંગમાં રવિ બિશ્નોઈ અને યશ ઠાકુરે 2-2 જ્યારે મોહસીન ખાને 1 વિકેટ ઝડપી હતી. હવે લખનૌએ આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.

લખનૌની ઇનિંગ્સમાં માર્કસ સ્ટોઇનિસ અને કૃણાલ પંડ્યાએ શાનદાર ઇનિંગ્સ રમી હતી

જો આપણે આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ્સ પર નજર કરીએ તો, ટીમે એક સમયે 35ના સ્કોર સુધી તેની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઈનિસ વચ્ચે ચોથી વિકેટ માટે 59 બોલમાં 82 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. કૃણાલ પંડ્યા રિટાયર્ડ હર્ટ થયો હતો અને 49 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્કસ સ્ટોઇનિસે છેલ્લી 4 ઓવરમાં નિકોલસ પૂરન સાથે 60 રનની ભાગીદારી કરીને લખનૌના સ્કોરને 3 વિકેટે 177 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટોઇનિસના બેટમાં 47 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ જોવા મળી હતી.