નવી દિલ્હી- પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર આજે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) પોતાનો નિર્ણય આપશે. ભારતીય મૂળના જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ-2017માં જાસૂસી તથા આતંકવાદના આરોપસર ફાંસીની સજા ફટકારી હતી. પાકિસ્તાનનું કહેવું છે કે જાધવે આ મામલે કબૂલાતનામું પણ આપ્યું છે. 49 વર્ષીય જાધવ ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી છે.
ભારતીય સમય પ્રમાણે નેધરલૅન્ડ્સની રાજધાની હૅગ ખાતે આઈસીજેના જજ અબ્દુલકાવી અહમદ યૂસુફ દ્વારા ભારતીય સમય પ્રમાણે સાંજે સાડા છ વાગ્યે ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે. ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણય પર આખા દેશની નજર રહેશે. ભારતે ICJમાં આશરે બે વર્ષ સુધી લડાઈ લડી હતી. આ કેસની અંતિમ સુનાવણી 18થી 21મી ફેબ્રુઆરી સુધી થઈ હતી.
નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ નિર્ણય સંભળાવશે. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિક દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.
જોકે હવે પાકિસ્તાનનો પ્રોપોગેન્ડા વિશ્વની સામે છે અને હવે ઈન્ટરનેશનલ કોર્ટ પાસેથી આશા છે કે, આજે તે દુધનું દુધ અને પાણીનું પાણી કરી દેશે. આજે સાંજે 6.30 વાગ્યા આવનારા આઈસીજેના નિર્ણય પર ન તો માત્ર ભારત પરંતુ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનું શિષ્તાથી પાલન કરનાર દરેક રાષ્ટ્રની નજર છે.