ISIનું ષડયંત્ર અને ઈરાન કનેક્શન, જાણો પાકિસ્તાનની જાળમાં કેવી રીતે ફસાયાં કુલભૂષણ જાધવ

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવ્યાં વિરુદ્ધ ભારતની અરજી પર આજે કોર્ટ નિર્ણય સંભળાવશે. હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે અંતિમ નિર્ણય આવવા સુધી જાધવની ફાંસી પર રોક લગાવી રાખવાનો આદેશ આપ્યો હતો.

મામલાની વિગત પર નજર કરીએ તો કુલભૂષણ જાધવની 3 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવ RAW ના એજન્ટ છે, જ્યારે કાયદાકીય રીતે ઈરાનમાં પોતાનો વ્યાપાર કરતા હતા. 25 માર્ચ 2016ના રોજ પાકિસ્તાને એક પ્રેસ રિલીઝ દ્વારા ભારતીય અધિકારીઓને જાધવની ધરપકડની જાણકારી આપી હતી.

બાદમાં પાકિસ્તાને જાધવની કથિત કબૂલાતનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. કેટલાક જાણકારોએ દાવો કર્યો હતો કે જાધવને જબદસ્તી આરોપો કબૂલ કરવા માટે મજબૂર કરવામાં આવ્યાં છે. વીડિયોમાં જાધવે કહ્યું હતું કે તેઓ ડિસેમ્બર 2001 સુધી ભારતીય નેવીમાં રહ્યાં. ભારત સંસદ પર થયેલા હુમલા બાદ ડોમેસ્ટિક ઈન્ટેલિજન્સ એકત્ર કરવામાં આવી ત્યારબાદ તેમણે 2003માં RAW જોઈન કર્યું. જાધવ કહે છે કે તેઓ ઈરાનથી બલૂચિસ્તાનમાં આતંકી ગતિવિધિઓને વેગ આપી રહ્યાં હતાં. આ વીડિયોમાં જાધવ પાસે એમ પણ કબૂલ કરાવવામાં આવ્યું કે તેઓ 2013માં રોમાં જોડાયાં હતાં. ભારત સરકારે કથિત વીડિયો અને પાકિસ્તાનના આરોપોને ફગાવી દીધાં છે. જો કે ભારત સરકારે એ વાત કબૂલી હતી કે જાધવ એક ભારતીય નાગરિક છે અને ભારતીય નેવીમાં કામ કરી ચૂક્યાં છે.

ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર, જાધવ કાયદારીય રીતે ઈરાનમાં પોતાનો વ્યાપાર કરતા હતા. તેમની જબરદસ્તી ધરપકડ કરીને તેમને પરેશાન કરવામાં આવ્યાં છે. ભારતનું કહેવું છે કે જાધવને ઈરાનથી કીડનેપ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન ભારતના એ સવાલનો જવાબ આપવામાં નાકામ રહ્યું કે જાધવ પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યાં?

ભારતની દલીલો અને અનુરોધોની પાકિસ્તાન પર કોઈ અસર નથી પડી અને 10 એપ્રિલ 2017ના રોજ જાધવને જાસૂસીના દોષિત માનતા પાકિસ્તાનની સૈન્ય કોર્ટે ફાંસીની સજા સંભળાવી દીધી. પાકિસ્તાન સૈન્ય કોર્ટે જાધવને દેશ વિરુદ્ધ જાસૂસી અને વિધ્વંસક ગતિવિધિઓમાં શામેલ હોવા મામલે દોષિત ઠરાવ્યાં.

આ વચ્ચે ભારતે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચાયોગના ઓફિસરોની જાધવ સાથે મુલાકાત કરવવાની 16 વાર મંજૂરી માગી, પરંતુ પાકિસ્તાન સરકારે દર વખતે આ અરજીને ફગાવી દીધી. જાધવના પત્ની અને માતા પણ જાધવને મળવા માટે વારંવાર અરજી કરતાં રહ્યાં.

9 મે 2017ના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આ મામલે ઘણા દોરમાં સુનાવણી થઈ, જ્યાં કોર્ટમાં ભારત અને પાકિસ્તાને પોતપોતાનો પક્ષ રાખ્યો.

ભારતનો તર્ક છે કે ઈસ્લામાબાદે જાધવ સુધી રાજનયિકને પહોંચવા ન દઈને વિએના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. વિએના સંધિના અનુચ્છેદ 36 અંતર્ગત, જો કોઈ વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવે અથવા તેની અટકાયત કરવામાં આવે તો તેમના દૂતાવાસને કોઈપણ પ્રકારનું મોડું કર્યા વગર મળવાની મંજૂરી આપવામાં આવે.

બીજી બાજુ પાકિસ્તાન ભારતની વિએના સંધિના ઉલ્લંઘનની વાતને પૂરી રીતે ફગાવતું આવ્યું છે. પાકિસ્તાનનો મુખ્ય તર્ક એ છે કે જાધવ એક ભારતીય જાસૂસ છે જે પાકિસ્તાનના રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડતાં ખોટી રીતે દેશમાં પ્રવેશ્યો હતો એટલા માટે રાજનયિક પહોંચનો સવાલ ઉઠતો જ નથી.

“ધ ડિપ્લોમેટ”ના રિપોર્ટ અનુસાર, આવી સ્થિતિમાં કોર્ટ માટે મામલામાં એવો નિર્ણય આપવાનો મુશ્કેલ હશે જેનાથી ન તો ભારત નારાજ થાય અને ન તો પાકિસ્તાનને પોતાના દેશમાં શર્મિંદગી મહેસૂસ કરવી પડે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ભારત અને પાકિસ્તાનની કાયદાકીય લડાઇઓને જોઈએ તો કોર્ટ એવો નિર્ણય આપવાથી બચતી રહી છે જે પૂર્ણ રીતે કોઈ એક દેશના હિતમાં જતો હોય. અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન આઈસીજે પાસે ત્રણ મામલાઓની સુનાવણી માટે પહોંચ્યાં છે.

ત્યારે આ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ વચ્ચેનો કોઈ નિર્ણય સંભળાવી શકે છે. વિશ્લેષકો અનુસાર આઈસીજે ભારતની આપત્તિઓને પૂર્ણ રીતે ફગાવી દેવાની વાત કદાચ નહી કરે. જો કોર્ટ ભારતના પક્ષમાં નિર્ણય સંભળાવતા કુલભૂષણ જાધવને છોડી દેવાનો આદેશ પણ આપે છે તો કદાચ જ પાકિસ્તાન આ વાત પર અમલ કરે કારણ કે આનાથી પાકિસ્તાનની સરકાર માટે પોતાના દેશમાં પોતાનું મોઢું લોકોને બતાવવું મુશ્કેલ બની જશે. જો કે જાધવની મુક્તિ સિવાયનો કોઈપણ નિર્ણય પાકિસ્તાન માટે રાહતની વાત હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટ પાકિસ્તાનથી જાધવને ફાંસીની સજા ન આપવા અને રાજનયિક પહોંચ આપવાની અનુમતિ આપવાનો પણ આદેશ આપી શકે છે.

ભારત કોઈપણ રીતે જાધવની મુક્તિ ઈચ્છે છે અને તેણે મજબૂતીથી કોર્ટમાં પોતાનો પક્ષ પણ રાખ્યો છે. ભારતને એ સહેજ પણ મંજૂર નથી કે જાધવને ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ માટે કામ કરનારા જાસૂસ ગણાવી દેવામાં આવે. અહીંયા એ વાતનું ધ્યાન રાખવું જરુરી છે કે આઈસીજેના આદેશનું પાલન જરુરી છે પરંતુ સભ્ય દેશોએ હંમેશા આના નિર્ણય પર સહમતિ નથી આપી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]