નવી દિલ્હી- ભારત-ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે થયેલા ત્રિપક્ષીય કરાર હેઠળ રણનીતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટના વિસ્તાર ક્ષેત્રનું પરિચાલન શરુ થતાંની સાથે જ પાકિસ્તાનમાં ચીનની મદદથી ચાલી રહેલા ગ્વાદર પોર્ટથી થતાં વેપારમાં જબરજસ્ત ઘટાડો થયો છે. વિદેશ નીતિ અંગે પાકિસ્તાનના જાણીતા વિશ્લેષક અહમદ રશીદના જણાવ્યા અનુસાર ચાબહાર પોર્ટનું સંચાલન શરુ થવાથી પાકિસ્તાને ઘણા મોટા કેપ્ટિવ માર્કેટને ખોઈ દીધું છે.
અહમદ રશીદે કહ્યું કે, ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન વિસ્તારમાં સ્થિત ચાબહાર પોર્ટનું ઑપરેટિંગ શરુ થઈ ગયું છે, પરંતુ ચીનની મદદથી ચાલી રહેલા ગ્વાદર પોર્ટ અપેક્ષા અનુસાર વેપારને આકર્ષિત નથી કરી શક્યું.
વધુમાં તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન તેમનો વેપાર ચાબહાર પોર્ટ મારફતે કરી રહ્યું છે, જેથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે ગ્વાદર પોર્ટથી થતો વેપાર 5 અબજ ડોલરથી ઘટીને અત્યારે 1.5 અબજ ડોલરના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલ પાકિસ્તાને મોટું માર્કેટ ખોઈ દીધું છે.
ઉલ્લખનીય છે કે, ઓમાન સાગરમાં સ્થિત ચાબહાર પોર્ટ મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનને સિસ્તાન-બલુચિસ્તાનથી જોડતું એક માત્ર પોર્ટ છે. ભારત-ઈરાન-અફઘાનિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ ભારતે આ પોર્ટને વિસ્તારિત કરવાનું કામ કર્યું છે. આ વિસ્તરણથી ચાબહાર પોર્ટની ક્ષમતા ત્રણ ગણી વધવાની સંભાવના છે. એટલું જ નહીં આ પોર્ટને પાડોશી દેશ પાકિસ્તાનમાં ચીનના સહયોગથી CPEC હેઠળ વિસ્તારિત કરવામાં આવી રહેલા ગ્વાદર પોર્ટની સામે રણનીતિક જવાબ માનવામાં આવી રહ્યો છે. ભારત માટે ચાબહાર પોર્ટ અતયંત મહત્વપૂર્ણ છે, કારણ કે, ભારત માટે પશ્ચિમ એશિયાથી પાકિસ્તાનની દખલગીરી વગર ડાયરેક્ટ જોડાણ માટે રસ્તો સાફ થઈ ગયો છે.