ઈઝરાયલની એરફોર્સમાં સામેલ આશરે 1000 રિઝર્વ સૈનિકોએ ગાઝા યુદ્ધનો વિરોધ કરતો પત્ર લખીને નેતન્યાહૂ સરકાર સામે બળવો કર્યો છે. આ પત્રમાં તેમણે દાવો કર્યો છે કે સરકાર આ યુદ્ધ રાજકીય ફાયદા માટે લડી રહી છે અને તેનો હેતુ હમાસના કબજામાં રહેલા બંધકોને પરત લાવવાનો નથી. આ વિરોધના જવાબમાં ઈઝરાયલ સરકારે આકરી કાર્યવાહી કરતાં તમામ 1000 સૈનિકોને એરફોર્સમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. ઈઝરાયલના એક સૈન્ય અધિકારીએ આ વિરોધ અંગે જણાવ્યું કે, “સેનામાં આંતરિક મતભેદો સ્વીકારી શકાય તેમ નથી. આ એવો સમય છે જ્યારે તમામ સૈનિકોએ એકજૂથ થઈને દેશ માટે લડવું જોઈએ. સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવીને વિરોધ કરવો યોગ્ય નથી, કારણ કે તેનાથી સૈનિકોનું મનોબળ ઘટે છે અને દેશની સુરક્ષા પર અસર પડે છે.”
નેતન્યાહૂ સરકારની આ કડક કાર્યવાહીના પ્રત્યુત્તરમાં વિરોધી સૈનિકોએ નિવેદન જારી કર્યું કે, “અમે પણ નક્કી કર્યું છે કે હવે અમારામાંથી કોઈ પણ સેનામાં સેવા આપવા ઈચ્છતું નથી.” આ 1000 સૈનિકો, જેમાં રિઝર્વ અને નિવૃત્ત જવાનોનો સમાવેશ થાય છે, તેમણે પત્રમાં હમાસના કબજામાં રહેલા બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે જો યુદ્ધ બંધ કરવું પડે તો પણ તે સ્વીકાર્ય છે. ફરજ પરના કેટલાક સૈનિકોએ આ મુદ્દે રાજીનામું પણ આપ્યું છે.
ગાઝા અને ઈઝરાયલ વચ્ચેનો સીઝફાયર કરાર નિષ્ફળ થયા બાદ ફરીથી હુમલાઓ શરૂ થયા છે. ઈઝરાયલ હમાસ પર દબાણ વધારવા ગાઝા પટ્ટીના રસ્તાઓ બ્લોક કરીને હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. સરકારનું માનવું છે કે આ હુમલાઓથી હમાસ ઝૂકી જશે અને બંધકોને મુક્ત કરવા માટે સમજૂતી કરશે. જોકે, સેનાની અંદર ઉઠેલો આ વિરોધ ઈઝરાયલની ચિંતામાં વધારો કરી રહ્યો છે, કારણ કે તે સૈન્યની એકતા અને કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા કરે છે.
ઈઝરાયલી સેના અનુસાર, હમાસના કબજામાં હાલ 59 બંધકો છે, જેમાંથી લગભગ અડધા લોકોનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયલની નાકાબંધીને કારણે ગાઝામાં રાશન, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય ખોરવાઈ ગઈ છે. ઈઝરાયલે ગાઝાના મોટા ભાગ પર કબજો જમાવ્યો છે અને ત્યાં નવો સુરક્ષા કોરિડોર પણ બનાવ્યો છે, જેનાથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે.
યુદ્ધનો વિરોધ કરનારા સૈનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુદ્ધમાંથી ખસી જવાની નહીં, પરંતુ યુદ્ધની નીતિ સામે વાંધો ઉઠાવે છે. એક ભૂતપૂર્વ સૈનિકે જણાવ્યું, “આ યુદ્ધ ચાલુ રાખવું અર્થહીન છે. આમ કરવાથી બંધકો, અમારા સૈનિકો અને ગાઝાના નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે. આ યુદ્ધનો વિકલ્પ શોધવો જોઈએ, જેના દ્વારા બંધકોને સુરક્ષિત પરત લાવી શકાય.” આ પત્રમાં ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હસ્તાક્ષર પણ સામેલ છે, જેનાથી આ વિરોધનું મહત્ત્વ વધે છે.
