ન્યૂયોર્કઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે પૃથ્વી પરના સૌથી ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એમનું સ્થાન લીધું છે ફ્રાન્સની લક્ઝરી ગુડ્સની મલ્ટીનેશનલ કંપની LVMHના ચેરમેન અને સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટે. એમેઝોન કંપનીનો શેર 7.6 ટકા ગબડતાં બેઝોસની નેટ સંપત્તિમાં એક જ દિવસમાં 13.9 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો છે. સીએનબીસી ચેનલના જણાવ્યાનુસાર, આર્નોલ્ટની નેટ સંપત્તિનો આંક છે 195.8 અબજ ડોલર જ્યારે બેઝોસની સંપત્તિ છે 192.6 અબજ ડોલર.
આર્નોલ્ટ પેરિસસ્થિત કંપની Moët Hennessy Louis Vuitton (મોઈ હેનેસી લૂઈ વીટોન, જે LVMH તરીકે વધારે જાણીતી છે) તેના ચેરમેન ઉપરાંત અગ્રગણ્ય ઈન્વેસ્ટર છે અને કલાત્મક ચીજવસ્તુઓના સંગ્રાહક તરીકે પણ જાણીતા છે. LVMH કંપનીમાં એમનો 47.5 ટકા હિસ્સો છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 400 અબજ ડોલર છે. ફેન્ડી, શુવોન્શી, ક્રિસ્ટીઆન ડીઓ જેવી ફેશન કંપનીઓની માલિક પણ LVMH છે. કોરોનાવાઈરસ રોગચાળાને કારણે અનેક ક્ષેત્રોને મોટા પાયે આર્થિક નુકસાન ગયું છે ત્યારે LVMH કંપનીએ એશિયા, અમેરિકામાં ખૂબ વેચાણ હાંસલ કર્યું છે. એનાથી આર્નોલ્ટનો નફો ખૂબ વધી ગયો છે. ગયા વર્ષે એમની સંપત્તિમાં લગભગ 100 અબજ ડોલરનો વધારો થયો હતો. ક્રિસ્ટીઆન ડીઓમાં એમનો હિસ્સો 95.6 ટકા છે અને LVMHનો 41 ટકા હિસ્સો ક્રિસ્ટીઆન ડીઓ પાસે છે.