અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ પદે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા છે. સત્તાપદ પર આવતાની સાથે તેમણે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. તેમને સપથ ગ્રહણ બાદના ભાષણમાં દેશમાં ગેરકાયદે ઘુસણ ખોરી કરતા લોકો સહિત પનામા કેનાલના સંચાલનને લઈ વાત કરી છે. આ નિવેદનને લઈ જ પનામા કેનાલને લઈ વિવાદ ઉદભવ્યો છે. પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ કહ્યું કે, કોઈપણ દેશે પનામાના મામલામાં દખલ ન કરવી જોઈએ. પનામાના રાષ્ટ્રપતિએ પોતાના તાજેતરના નિવેદનમાં કહ્યું છે કે, ‘કેનાલ પર અમારો કબજો છે અને આગળ પણ રહેશે.’
પનામાના રાષ્ટ્રપતિ મુલિનોએ એક નિવેદનમાં કહ્યું કે, ‘પનામા કેનાલ પર પનામાનો કબજો છે અને આગળ પણ રહેશે. તેની તટસ્થતાનું સન્માન કરવું જોઈએ અને કોઈ પણ દેશે અમારા મામલામાં દખલ ન કરવી જોઈએ. કેનાલ કોઈ ભેટ નહોતી પરંતુ અનેક પેઢીઓના સંઘર્ષનું પરિણામ હતું, વર્ષ 1999માં સંધિના રૂપમાં ફળ્યુ હતું. ત્યારથી અમે 25 વર્ષથી કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના કેનાલનું સંચાલન કરી રહ્યા છીએ.’ પનામા કેનાલ દ્વારા અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં વેપારનો વિસ્તાર થયો છે. વધુમાં પનામાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘અમને જે અધિકાર આપવામાં આવ્યા છે તેનું અમે સંપૂર્ણ સમજદારી પૂર્વક ઉપયોગ કરીશું અને તમામ મિત્ર દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવીશું. અમારા અધિકારો, સાર્વભૌમત્વ અને સંપત્તિના અધિકારોને નુકસાન પહોંચાડ્યા વિના વાતચીત દ્વારા વિવાદોને દૂર કરી શકાય છે. ‘ ઉલ્લેખનીય છે કે, અમેરિકાના દરિયાઈ વેપારનો મોટો હિસ્સો પનામા કેનાલ દ્વારા થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યા ત્યારથી જ પનામા કેનાલ પર કબજો કરવાની વાત કરી રહ્યા છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ચીન પડદા પાછળથી પનામા કેનાલનું સંચાલન કરી રહ્યું છે. સોમવારે શપથ ગ્રહણ સમારોહ પછી ટ્રમ્પે પોતાના સંબોધનમાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું, ‘અમે પનામા કેનાલ પનામાને ભેટમાં આપી હતી, પરંતુ હવે તેનું સંચાલન ચીન કરી રહ્યું છે.’ અમે તે ચીનને નહોતી આપી અને હવે અમે તેના પર પાછો કબજો મેળવીશું.’