નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની આખી દુનિયાએ નોંધ લીધી છે અને તમામે આ નાપાક હરકતની કડક નીંદા કરી છે. ત્યારે આ મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને શોક સંદેશ મોકલ્યો છે. તેમણે સાંત્વના વ્યક્ત કરતા કહ્યું કે હુમલામાં સંડોવાયેલા અને તેમનો સાથ આપનારા લોકોને કડક સજા મળવી જોઈએ.
પુતિનના સંદેશમાં લખવામાં આવ્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા લોકો માટે અમે સાંત્વના વ્યક્ત કરીએ છીએ. આ ક્રૂર અપરાધની કડક નીંદા કરીએ છીએ. આ હુમલાને અંજામ આપનારા અપરાધિઓ અને તેના ષડયંત્રકારોને કડક સજા આપવી જોઈએ.
આ પહેલા રશિયા સંઘ દૂતાવાસે પણ હુમલાની કડક નિંદા કરતા કહ્યું હતું કે અમે આતંકવાદના તમામ રુપોની નિંદા કરીએ છીએ. અમે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી કામના કરીએ છીએ.
પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે અમે વારંવાર એ વાતને રીપીટ કરીએ છીએ કે અમે ભવિષ્યમાં ભારત સાથે મજબૂત સંબંધ ઈચ્છીએ છીએ. આગળ કહેવાયું છે કે દુઃખના સમયમાં અમે ભારતના લોકો સાથે ઉભા છીએ. આશા છે કે ઘાયલ થયેલા લોકો જલ્દી સાજા થઈ જાય.