વોશિંગ્ટન – સત્તાનો દુરુપયોગ કરવા અને કોંગ્રેસ (અમેરિકી સંસદ)ની કામગીરીમાં અડચણ ઊભી કરવાના ગુનાસર સંસદના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ સભા)એ ગઈ કાલે રાતે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઈમ્પીચ કર્યા છે. સત્તાના દુરુપયોગ બદલ ટ્રમ્પને ઈમ્પીચ કરવા અંગેના મુદ્દે લેવાયેલા મતદાનમાં 230 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે 197 જણે વિરુદ્ધમાં મત આપ્યો હતો.
બીજો મુદ્દો હતો કોંગ્રેસની કામગીરીમાં અવરોધ પેદા કરવાનો. એની પર થયેલા મતદાનમાં 229 મત ટ્રમ્પની વિરુદ્ધમાં પડ્યા હતા અને 198 એમની તરફેણમાં પડ્યા હતા.
અમેરિકાના ઈતિહાસમાં ઈમ્પીચમેન્ટ એ સૌથી શરમજનક રાજકીય પ્રકરણ કહેવાય છે.
ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ (ઈમ્પીચમેન્ટ) કાર્યવાહી ચલાવવી કે નહીં એ મુદ્દે પ્રતિનિધિઓની સભામાં મતદાન કરવામાં આવ્યું હતું. એમાં ડેમોક્રેટિક પક્ષના 230 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે 197 જણે વિરુદ્ધમાં મત આપ્યો હતો. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.
અમેરિકાના ઈતિહાસમાં હજી સુધી કોઈ પણ અમેરિકી પ્રમુખને મહાભિયોગની પ્રક્રિયા મારફત પ્રમુખપદેથી દૂર કરવામાં આવ્યા નથી. અત્યાર સુધીમાં માત્ર બે જ વખત પ્રમુખને મહાભિયોગ સામે જવું પડ્યું છે.
ગઈ કાલે અમેરિકી સંસદના પ્રતિનિધિઓનાં ગૃહમાં તમામ ડેમોક્રેટિક સભ્યોએ ટ્રમ્પને ઈમ્પીચ કરવા માટે મત આપ્યો હતો.
હવે આ પ્રસ્તાવ સંસદના બીજા ગૃહ, સેનેટમાં રજૂ કરવામાં આવશે જ્યાં સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ મુકદ્દમાનું પ્રમુખપદ સંભાળશે.
100-સભ્યોની સેનેટમાં શાસક રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. રાજકીય સમીક્ષકોનું માનવું છે કે ઈમ્પીચમેન્ટ પ્રસ્તાવનો પરાજય થશે અને ડેમોક્રેટિક પાર્ટી કદાચ ટ્રમ્પને પ્રમુખપદેથી હટાવી નહીં શકે.
સેનેટમાં શાસક પક્ષના નેતા મિચ મેકકોનેલે કહ્યું છે કે તેઓ આવતા વર્ષના આરંભમાં ઈમ્પીચમેન્ટ કાર્યવાહી શરૂ કરાવશે. ટ્રમ્પને કસુરવાર ઠેરવવા માટે ડેમોક્રેટિક પાર્ટીને સેનેટમાં બે-તૃતિયાંશ બહુમતીની જરૂર પડે.
પ્રતિનિધિ સભાનાં સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા નેન્સી પેલોસીએ કહ્યું કે પ્રમુખ ટ્રમ્પના બેજવાબદાર પગલાંને કારણે એમનું ઈમ્પીચમેન્ટ કરવાની જરૂર પડી છે એ દુર્ભાગ્યની વાત કહેવાય. ઈમ્પીચ કર્યા સિવાય એમણે અમારા માટે કોઈ વિકલ્પ જ છોડ્યો નહોતો.
ભારતીય અમેરિકન કોંગ્રેસીજન રાજા કૃષ્ણમૂર્તિએ એક ઈમેલ દ્વારા એમના સમર્થકોને કહ્યું હતું કે હું હમણાં જ ગૃહમાંથી બહાર નીકળ્યો છું અને મેં પ્રમુખ ટ્રમ્પને ઈમ્પીચ કરવા માટે મત આપ્યો છે. ટ્રમ્પે સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એમણે આપણી લોકશાહીને ખતરામાં મૂકી દીધી હતી અને કોંગ્રેસના કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો. એમણે આપણી ચૂંટણી પ્રક્રિયા તથા રાષ્ટ્રીય સલામતીને દાવ પર મૂકી દીધી હતી.
ટ્રમ્પ સામે શેની તપાસ કરાઈ છે?
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે એમણે પદનો-સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એમણે 2020માં થનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં એમના હરીફ જો બાઈડન અને એમના પુત્ર વિરુદ્ધ તપાસ કરાવવા માટે યુક્રેનની સરકાર પર દબાણ કર્યું હતું. એમણે એ માટે ફોન કર્યો હતો એવો આરોપ એક સામાજિક કાર્યકર્તા (વ્હીસલબ્લોઅર)એ કર્યો હતો.
ટ્રમ્પે એવો ફોન કર્યો હતો એવું જો તપાસમાં પુરવાર થશે તો ટ્રમ્પની તકલીફ વધી જશે, કારણ કે અમેરિકાના કાયદા મુજબ, અમેરિકામાં ચૂંટણી જીતવા માટે વિદેશી સંસ્થા પાસેથી મદદ માગવાનું ગેરકાયદેસર ગણાય છે.
આ જ વર્ષની 25 જુલાઈએ યુક્રેનના પ્રમુખને અમેરિકાના પ્રમુખના કાર્યાલયમાંથી એક ફોન કોલ કરવામાં આવ્યો હતો. એક વ્હીસલબ્લોઅરે એ કોલ વિશેની બધી માહિતી પર તપાસ કરવામાં આવે એવી માગણી કરી હતી.