જો તમારે આ ગુજરાતી મહિલા પંડિત પાસે જ વિધિ કરાવવી હોય તો 2022 સુધી રાહ જોવી પડશે

વડોદરાઃ એક દશકા પહેલા આફ્રિકામાં જન્મેલા નોન-રેસિડેન્ટ ચંદા વ્યાસે હિંદુ પંડિત તરીકે ડિસ્ટિંક્શન મેળવ્યું હતું. હવે 67 વર્ષના ચંદા બહેન એક એવો કોમ્યુનિટી હોલ શોધી રહ્યા છે એમાં તે મહિલા પુજારીઓને ઈંગ્લેન્ડમાં હિન્દુ ધાર્મિક પરંપરાઓ નિભાવવાની ટ્રેનિંગ આપશે. આ ટ્રેનિંગમાં બાળકના જન્મથી માંડીને લગ્ન, મૃત્યુ જેવા પ્રસંગોએ થતી વિધીઓ સામેલ છે. આવા પંડિતોની યુ.કેમાં ભારે ડિમાન્ડ છે.

પુરોહિત પરિવારમાં જન્મેલા ચંદા વ્યાસે કહ્યું કે, મેં જ્યારે પ્રથમ વખથ ‘વિધિ’ કરાવવા માટે તૈયારી દર્શાવી તો પુરુષ પંડિત તેનાથી ખુશ નહતા. તે મને સ્વીકારવા જ તૈયાર ન હતા. તેમણે કહ્યું કે મહિલાઓ અપવિત્ર હોય છે. મેં તેમને સામે પૂછ્યું કે શું તેમાં તેમની માતાનો સમાવેશ થાય છે?  આ રીતે મારી શરૂઆત થઈ. છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓ અને હિન્દુ પરંપરાઓને લઈને ચાલી રહેલી માન્યતાને તોડયા બાદ ચંદા પોતાનું મૂળ શોધવા રાજકોટ આવી.

હિન્દુ વિધિ તો મહારાજ જ કરાવે એવી વર્ષો જૂની માન્યતા ચંદા વ્યાસે તોડી છે. આ પુરોહિતાના મૂળ રાજકોટ સાથે જોડાયેલા છે. તેમણે અત્યાર સુધી યુનાઈટેડ સ્ટેટ્સ, યુરોપ, કેનેડા, યુ.કે અને આફ્રિકામાં 2000 જેટલી વિધિ કરાવી છે. આટલું જ નહિ 2022 સુધી લગ્ન માટે તેમનું બુકિંગ ફૂલ થઈ ચૂક્યું છે.

ચંદાના દાદા વાલજીભાઈ પુરોહિત અને પિતા કરૂણાશંકર પુરોહિત વિવિધ મંદિરોમાં પંડિત રહી ચૂક્યા હતા. ત્યાર પછી તે પૂર્વ આફ્રિકા અને 1970ના દાયકામાં ઈંગ્લેન્ડમાં સ્થાયી થયા. ચંદા ત્રણ બાળકોની માતા છે અને તેમને 2 પૌત્ર છે. તેમના પતિ મનોજ ફાયનાન્શિયલ કન્સલ્ટન્ટ છે.

28 વર્ષ સુધી સમાજ સેવા કરનારા ચંદા વ્યાસ જણાવે છે, “મારા પિતા જ મારા ગુરુ હતા. હું ઈંગ્લેન્ડના ઘણા મંદિરોમાં પૂજા કરતી હતી પરંતુ મેં સત્તાવાર રીતે વિધિ કરાવવાનું 10 વર્ષ પહેલા જ ચાલુ કર્યું.” સાથે સાથે તે માનસિક તકલીફ ધરાવતા, વિકલાંગતા ધરાવતા, આત્મહત્યા જેવા ઘાતક વિચાર ધરાવતા લોકોની સારવારમાં પણ મદદ કરે છે. વ્યાસ કહે છે, “હિન્દુ ધર્મમાં શરીર નહિ, આત્માના મિલનની વાત છે.” વ્યાસે અનેક સમલૈંગિક લગ્નો પણ કરાવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]