ખશોગી હત્યા મામલે સાઉદીના 16 નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ

નવી દિલ્હી- પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે અમેરિકન વિદેશ મંત્રાલયે સાઉદી અરબના 16 નાગરિકોને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખશોગી હત્યાકાંડના નિરાકરણ માટે તેમની પદ્ધતિને લઈને હમેશા કડક આલોચનાનો શિકાર થતાં રહ્યાં છે.

પત્રકાર જમાલ ખશોગીની ગત ઓક્ટોબર 2018માં ઈસ્તાંબુલ સ્થિત સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. ખશોગીની હત્યા સાઉદી અરબના ગુપ્ત વિભાગે 15 અધિકારીઓની એક ટીમે કરી હતી, ત્યાર બાદ આંતરાષ્ટ્રીય સ્તર પર તેમની ખુબજ આલોચના થઈ હતી.

અમેરિકન સેનેટ દ્વારા સાઉદી અરબના વલી અહેમદ મોહમ્મદ બિન સલમાનને હત્યા માટે જવાબદાર ગણાવ્યા બાદ પણ ટ્રમ્પે તેમની સામે કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો હતો, કાર્યવાહી કરવાને બદલે ટ્રમ્પે એ વાત પર ભાર મુક્યો હતો કે, સાઉદી અરબ હથિયારોનું મોટુ ખરીદદાર છે, અને ઈરાન વિરુદ્ધની લડાઈમાં અમેરિકાનું મહત્વપૂર્ણ સહયોગી પણ છે. વિદેશ વિભાગે 16 લોકોની યાદી જાહેર કરીને તેના પર લાગેલા પ્રતિબંધની જાહેરાત કરી હતી.

વિદેશ વિભાગે વિદેશી સંચાલન અને સંબંધિત કાર્યક્રમ વિનિયોગ અધિનિયમ 2019ની કલમ 7031 (સી) હેઠળ આ 16 લોકો પર પ્રતિબંધ મુક્યો છે.

આ કલમ હેઠળ એવા લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ હોય જેના અંગેની વિદેશ વિભાગ પાસે વિશ્વસનીય જાણકારી હોય કે, વિદેશ સરકારના એ અધિકારી ભ્રષ્ટાચાર કે માનવાધિકારના ઉલ્લંઘનમાં સામેલ હોય. આ પ્રકારના વ્યક્તિ અને તેમના પરિવારને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી જાય છે.

વિદેશ વિભાગે સાર્વજનિક અથવા તો ખાનગી રીતે આ પ્રકારના અધિકારીઓ અને તેમના તત્કાલિન પરિવારના સભ્યોની નામાંકન કરવું પડે છે. આ અગાઉ અમેરિકાના વિદેશ વિભાગે લગભગ બે ડઝન સાઉદી અધિકારીઓના વીઝા રદ્દ કરી દીધી હતાં, અને 17 અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી લીધી હતી.

થોડા દિવસો પહેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, સાઉદી અરબના જે લોકોએ ખશોગીની હત્યા કરી હતી, તેમને અમેરિકામાં પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ખશોગી વોશિગ્ટન પોસ્ટ માટે સમાચાર લખવાનું કામ કરતા હતાં.