થેરેસા મેએ કબૂલ કર્યું, ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ-ભારતીય ઈતિહાસમાં શરમજનક ડાઘ’

લંડન – બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ આજે કહ્યું કે જલિયાંવાલા બાગ દુર્ઘટના બ્રિટિશ-ભારતીય ઈતિહાસ પર એક શરમજનક ડાઘ સમાન છે.

100 વર્ષ પહેલાં, જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે, 1919ની 13 એપ્રિલે પંજાબના અમૃતસર શહેરના જલિયાંવાલા બાગમાં જનરલ રેજિનાલ્ડ ડાયરે આદેશ આપીને હજારો નિર્દોષ, નિઃશસ્ત્ર લોકો પર બેફામપણે, અંધાધૂંધ ગોળીબાર કરાવ્યો હતો. એ ઘટના માટે બ્રિટન ભારતની માફી માગે એવું દબાણ સતત કરવામાં આવી રહ્યું છે. થેરેસા મેએ જણાવ્યું છે કે, ‘તે એક અત્યંત કમનસીબ ઘટના હતી. એ દુર્ઘટના માટે અને લોકોને જે યાતના ભોગવવી પડી એ બદલ અમને ઊંડો ખેદ છે.’

બ્રિટનના વિદેશ પ્રધાન માર્ક ફિલ્ડે તો મંગળવારે વળી એમ કહ્યું હતું કે ભૂતકાળની શરમજનક ઘટનાઓ લાલ અક્ષરમાં લખાવી જોઈએ, પણ બ્રિટનના વસાહતી ભૂતકાળમાં બનેલી ઘટનાઓ માટે વારંવાર માફી ઈસ્યૂ કરવી પડે તો એનાથી આર્થિક અસરો પણ ઊભી થશે. માર્ક ફિલ્ડે એમ કહ્યું હતું કે ભારત સાથે બ્રિટનના સંબંધો વર્તમાન બાબતો પર આધારિત જ રહેવા જોઈએ અને ભૂતકાળની ઘટનાઓ સાથે એ પ્રભાવિત થવા ન જોઈએ, પછી ભલે એ ઘટનાઓ શરમજનક હોય તો પણ.

ઉલ્લેખનીય છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માત્ર શરમજનક છે એટલું જ નહીં, એ હત્યાકાંડમાં સેંકડો જણ માર્યા ગયા હતા અને બીજાં હજારો લોકો ઘાયલ થયા હતા. 100 વર્ષ પછી આજે પણ એ ઘટના દુનિયાભરના ભારતીયોની સંવેદના સાથે સંકળાયેલી રહી છે.