વિશ્વમાં સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયામાં શરુ થશે ડ્રોન ડિલિવરી

કેનબેરા (ઓસ્ટ્રેલિયા): ઓસ્ટ્રેલિયા વિશ્વમાં પ્રથમ એવો દેશ બનવા જઈ રહ્યો છે, જ્યાં ખાદ્ય ચીજો અને અન્ય સામાનોની ડિલિવરી ડ્રોન દ્વારા થશે. ત્યાંના વિમાનન નિયામકે સામાનની ડિલિવરી માટે ડ્રોનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયન એવિએશન રેગ્યુલેટર સિવિલ એવિએશન સેફ્ટી ઓથોરિટીએ કહ્યું કે, અમે વિંગ એવિએશન પ્રાઈવેટ લિમિટેડને ઉત્તરી કેનબેરામાં ડ્રોન ડિલિવરીને મંજૂરી આપી દીધી છે. ડ્રોન કંપની વિંગ ગૂગલની સહયોગી કંપની આલ્ફાબેટ સાથે જોડાયેલી છે. વિંગે કહ્યું કે, તે છેલ્લા 18 મહિનાથી ડ્રોન દ્વારા ડિલિવરીનું પરિક્ષણ કરી રહી છે, અને હવે તે આ સેવાને યોગ્ય રીતે ચલાવવા સક્ષમ છે.

કંપનીના જણાવ્યા અનુસાર તે ડ્રોનથી ખાવા પીવાની વસ્તુઓ, દવાઓ, અને સ્થાનિક સ્તર પર બનેલી કોફી અને ચોકલેટની ડિલિવરી કરી રહી છે.  અત્યાર સુધીમાં અંદાજે 3000થી વધુ ડિલિવરી કરવામાં આવી છે. કંપનીને હાલ દિવસમાં 11થી 12 કલાક ડ્રોન દ્વારા ડિલિવરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ડિલિવરી કરતા તમામ ડ્રોન રિમોટ ઓપરેટેડ હોવા જોઈએ. વિંગનું કહેવું છે કે, આ સુવિધાને કારણે ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો થશે. સાથે સમયની પણ બચત થશે.

ભારતમાં પણ આ પ્રકારના પરિક્ષણ થઈ ચૂકયા છે. જે સૂંપર્ણ રીતે સફળ રહ્યા છે. ઉડ્ડયન ક્ષેત્રના નિયામકની મજૂરી બાદ ભારતમાં પણ ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ થાય તેવી શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]