વોશિંગ્ટન– દલાઈ લામાના વારસદાર કોણ બનશે તેરનો નિર્ણય કરવાના ચીનના દાવાને ફગાવી દઈને અમેરિકાએ કહ્યું છે કે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ઉઠાવવો જોઈએ. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના વિશેષ રાજદૂત સૈમ્યુઅલ બ્રાઉનબૈકે પત્રકારોને કહ્યું હતું કે દલાઈ લામાના વારસદાર કોણ એ પસંદ કરવાનો હક તેમની પર વિશ્વાસ કરનારાઓને જ હોવો જોઈએ.
બ્રાઉનબૈકે દલાઈ લામાના વારસદાર સંદર્ભે વધુમાં કહ્યું કે કેટલાક લોકો એવા છે કે જેઓ ચીનમાં રહેતાં નથી. પણ દલાઈ લામાને અનુસરે છે. તેઓ વિશ્વભરના જાણીતા ધાર્મિક નેતા છે. તેઓ સમ્માનના હક્કદાર છે. અને તેમના વારસદાર નીમવાની પ્રક્રિયા તેમના પર વિશ્વાસ કરનાર સમુદાયના હાથમાં હોવી જોઈએ. બ્રાઉનબૈકે તે મુદ્દા પર ચીનના દાવાનો અસ્વીકાર કરતાં કહ્યું છે કે આ મુદ્દો આંતરાષ્ટ્રીય સંસ્થાઓમાં ઉઠાવવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે તેના માટે અમેરિકા દબાણ કરશે.
બ્રાઉનબૈકે થોડા સમય પહેલાં ધર્મશાલામાં હતાં ત્યાં તેમણે તિબ્બતી સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતુ કે સંયુકત રાષ્ટ્રએ તેમના વારસદારના મુદ્દા પર વિચાર કરવો જોઈએ. મારુ માનવું છે કે અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ વિચાર કરવો જોઈએ. યૂરોપીયન દેશોની સરકારોએ પણ આ દિશામાં વિચારવું પડશે. અમે જાણીએ છીએ કે ચીન શું કરી શકે છે. અને તે શું કરવા માગે છે. કારણ કે અમે જોયું છે કે તેમણે પંચેન લામાની સાથે શું કર્યું. તેઓ શું પગલાં ભરવા ઈચ્છી રહ્યાં છે તે માટે આપણને આશ્ચર્ય નહીં થવું જોઈએ. જરૂરિયાત છે કે તે પહેલાં આપણે આ મામલાને જોઈ લેવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દલાઈ લામાના વારસદારને પસંદ કરવાનો અધિકાર બૌદ્ધ ભિક્ષુઓનો છે. ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી અથવા કોઈ સરકારનો નથી. બ્રાઉનબૈકનું કહેવું હતું કે આ તો એવું થશે કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી કહેશે કે આગામી પોપ નક્કી કરવાનો અધિકાર અમારો છે. આ અધિકાર તેમનો નથી. આ નિર્ણય લેવાનો અધિકાર બૌદ્ધ ભિક્ષુઓનો છે. તેમણે એમ કહ્યું કે અમે ચીની સરકારને વારંવાર કહ્યું છે કે આ અધિકાર તમારો નથી. આપ યાદ કરો કે તેમણે પંચેમ લામાંને ઉઠાવી લીધાં હતાં, અને અમને તેની જાણકારી સુદ્ધાં નથી કે તેઓ જીવિત છે કે નહી, હવે ચીનની સરકાર એવું કહી રહી છે કે દલાઈ લામાના વારસદાર નક્કી અમારા દ્વારા થવો જોઈએ.