પેશાવરઃ અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લની હત્યા અને દેશમાં અન્ય બીજી આતંકી ગતિવિધિઓમાં શામેલ 2 પાકિસ્તાની તાલિબાની આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ખૈબર પખ્તૂનખ્વાના મનશેરા જિલ્લાના આતંકવાદ વિરોધી વિભાગે કહ્યું કે તેઓ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના સૌથી દુર્દાંત આતંકવાદી છે.
અધિકારીઓએ કહ્યું કે અઝીમ જાન અને મુહમ્મદ અનવરને બાતમી બાદ ચલાવવામાં આવેલી ઝૂંબેશ બાદ પકડી લેવામાં આવ્યાં છે. તેઓ 2002માં અમેરિકી પત્રકાર ડેનિયલ પર્લના અપહરણ અને હત્યામાં શામેલ હતા. પર્લ ધ વોલ સ્ટ્રીટ જર્નલના દક્ષિણ એશિયાના બ્યૂરો પ્રમુખ હતા અને પાકિસ્તાનમાં આતંકવાદીઓએ તેમનું અપહરણ કરીને સર કલમ કરી દીધું હતું.
અધિકારીઓએ જણાવ્યું કે અઝીમ એક પ્રશિક્ષિત આતંકી અને આત્મઘાતી બોમ્બ પ્રશિક્ષક છે, જે ટીટીપીને પ્રશિક્ષિત આત્મઘાતી હુમલાખોરોનો સપ્લાય કરે છે. તે મીરાનશાહમાં ટીટીપીમાં નાણાકિય મામલાઓનો પ્રમુખ છે. તે ફ્રાંસીસી દૂતાવાસના કર્મચારી પર આતંકી હુમલામાં પણ શામિલ હતો. અનવરે ખૈબરમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તે પેશાવરના દેવૂ બસ સ્ટેન્ડ પર થયેલા હુમલાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો જેમાં 2 પોલીસ કર્મચારીઓનું મોત થયું હતું.