સમાચાર વાંચવા માટે ટ્વિટર યૂઝર્સને આવતા મહિનાથી ચાર્જ લગાડાશે

મુંબઈઃ અમેરિકાના નંબર-1 શ્રીમંત ઈલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટર કંપનીની ખરીદી કરી છે તે પછી તેમણે એમની આ માઈક્રોબ્લોગિંગ સાઈટ માટે અનેક નવા ફીચર્સ અને ચાર્જિસ લાગુ કર્યા છે. હાલમાં જ એમણે શરૂ કરેલું બ્લૂ ટીક વેરિફિકેશન ખૂબ ચર્ચાસ્પદ રહ્યું છે. હવે આ સોશિયલ મિડિયા પ્લેટફોર્મના સીઈઓ મસ્કે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ટ્વિટર યૂઝર્સને એક ક્લિક સાથે પ્રત્યેક-સમાચાર (આર્ટિકલ) દીઠ ચાર્જ વસૂલ કરવાની મિડિયા પબ્લિશર્સને છૂટ આપવામાં આવશે.

આનો અર્થ એ કે હવે ટ્વિટર યૂઝર્સે સમાચાર કંપનીઓના દરેક સમાચાર (આર્ટિકલ) વાંચવા માટે પૈસા ચૂકવવા પડશે. જે યૂઝર્સ મંથલી સબ્સક્રિપ્શન નહીં ભરે એમણે સમાચાર વાંચવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે.

મસ્કે ટ્વીટમાં લખ્યું છે કે ચાર્જિસ લગાડવાના આ નિયમને લીધે એવા યૂઝર્સને વધારે પૈસા ચૂકવવા પડશે જેઓ પ્રસંગોપાત્ત કોઈ સમાચાર વાંચવાની ઈચ્છા રાખે છે, પણ માસિક લવાજમ ભરતા નથી (સાઈન-અપ કરતા નથી). મિડિયા સંસ્થાઓ અને જનતા, બંને માટે આને મોટી જીત ગણવી જોઈએ.