વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એજન્સીની ચેતવણી છતાં હાઇડ્રોક્સિક્લોરોકક્વીન દવા લઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ગઈ કાલે કહ્યું હતું કે તેઓ હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યા છે. તેમણે આ દવાને કોરોના વાઇરસની સંભવિત સારવારમાં અકસીર બતાવી હતી.
ટ્રમ્પ એક સપ્તાહથી આ દવા લે છે
આ અહેવાલ મુજબ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે વાઇટ હાઉસમાં ડોક્ટરે આ દવા લેવા માટે સલાહ આપી હતી. જોકે આ દવા તેમના માટે ઉચિત નથી, કેમ કે તેઓ કોવિડ-19 પોઝિટિવ નથી. તેમણે કહ્યું હતું કે ડોક્ટરે મને આ દવા લેવા માટે સલાહ આપતાં કહ્યું હતું કે તમારે આ દવા લેવી હોય તો લો. હું આશરે એક સપ્તાહથી ઝિંકની સાથે હાઇડ્રોક્સિક્લોરોક્વીન લઈ રહ્યો છું.
FDAની આ દવા હોસ્પિટલ બહારના ઉપયોગ સામે ચેતવણી
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (FDAએ) હાઇડ્રોક્સિક્લોક્વીન દવાને હોસ્પિટલ બહાર એના ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ આ દવા માત્ર હોસ્પિટલોના ઉપયોગ માટે મંજૂરી આપી છે.
પાછલા મહિને ભારતે અમેરિકામાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે લાખ્ખો હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓની નિકાસને મંજૂરી આપી હતી. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખથી પણ વધુ છે અને મોતનો આંકડો 90,694 પહોંચ્યો છે.