ટ્રમ્પે ભારત સહિત 180થી વધુ દેશો પર ટેરિફ લગાડ્યો

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી ભારત સહિત ૧૮૦થી વધું દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી અને આજેથી આ ટેરિફ વિશ્વના દેશો માટે અસરકારક થઈ ગઈ છે. ભારત પર ટ્રમ્પે ૨૬ ટકા રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેરિફ) લાગુ કર્યો છે અને ભારતના વેપાર મંત્રાલય દ્વારા તેની અસરનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી તમામ આયાતો પર ૧૦ ટકા યુનિવર્સલ ટેરિફ  પાંચ એપ્રિલથી અને બાકી ૧૬ ટકા ૧૦ એપ્રિલથી લાગુ થશે.

જોકે કેન્દ્ર સરકારે પહેલેથી જ ટ્રમ્પ વહીવટી તંત્ર સાથે આ મામલે વાતચીત કરી રહી છે. જો દેશ, યુએસની ચિંતાઓ દૂર કરી દેશે તો ટેરિફમાં કટોતી થશે. ભારત પહેલેથી જ અમેરિકા સાથે દ્વિપક્ષી વેપાર સોદા માટે વાતચીત કરી રહ્યું છે, જેનું લક્ષ્ય એ છે કે શરદ ઋતુ (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધી પહેલો તબક્કો અંતિમ રૂપ અપાશે.

જોકે ભારતીય મૂળના અમેરિકી સાંસદો અને પ્રવાસી સમુદાયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવાયેલા ‘રેસિપ્રોકલ ટેરિફ’ને ‘વિચાર વિનાના અને આત્મવિનાશક’ ગણાવીને તેની આલોચના કરી છે. અમેરિકી સાંસદો અને પ્રવાસી સમુદાયના લોકોએ બંને દેશોના નેતાઓને આ પડકારોનો સામનો કરવા માટે વાતચીત કરવાની અપીલ કરી છે.

ટ્રમ્પે બુધવારે એલાન કરતાં કહ્યું હતું કે ભારત અમારી પાસેથી ૫૨ ટકા ટેરિફ લે છે, એટલે અમે તેમની પાસેથી અડધો – ૨૬ ટકા ટેરિફ લઇશું.

અમેરિકા દ્વારા ભારત પર ૨૬ ટકા લગાવેલા રેસિપ્રોકલ ટેરિફને લઈને ભારતીય બજારમાં ચિંતાની લહેર છે, પરંતુ આ બધાની વચ્ચે ત્રણ એવા મોટા પાસાં છે જે ભારત માટે આશા તરીકે કિરણ બની શકે છે. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટેરિફ લાંબા ગાળે ભારતને લાભ પહોંચાડશે.