વોશિંગ્ટનઃ ટાઈમ મેગેઝીને 2018ના પર્સન ઓફ ધ યર માટે ચાર પત્રકારો અને એક મેગેઝીનની પસંદગી કરી છે. આમાં ઈસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં ઓક્ટોબરમાં માર્યા ગયેલા પત્રકાર જમાલ ખશોગીના નામનો પણ સમાવેશ છે. આ વર્ષે ટાઈમ મેગેઝીનની આ યાદીમાં ઘણા એવા પત્રકાર પણ છે જેમની કાં તો હત્યા કરી દેવામાં આવી અથવા તો તેમને પોતાના કામ માટે સજા અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો.
મેગેઝીને પત્રકારોને સત્યના રક્ષક ગણાવ્યા છે. જમાલ ખશોગી સાથે આ યાદીમાં ફિલિપીનની પત્રકાર મારિયા રેસા, રોયટરના સંવાદદાતા વા લોન અને ક્યાવ સો ઓ નો સમાવેશ થાય છે. આ સીવાય મેરીલેન્ડના એનાપોલિસથી નિકળનારા સમાચાર પત્રના એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. આમાં તે પત્રકારો સમાવિષ્ટ છે જેઓ જૂનમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયા હતા. ટાઈમ મેગેઝીન દ્વારા અલગ અલગ કવર વાળા મેગેઝીન પ્રકાશિત કરવામાં આવ્યા છે. પ્રત્યેક મેગેઝીનમાં અલગ-અલગ સન્માનિતોને દેખાડવામાં આવ્યા છે.
જમાલ ખશોગીની ઈસ્તંબુલમાં સાઉદી અરબના વાણિજ્ય દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. જમાલ ખશોગીનો જન્મ 13 ઓક્ટોબર 1958ના રોજ સાઉદીના ધાર્મિક શહેર મદીનામાં થયો હતો. જમાલનો પ્રાથમિક અભ્યાસ સાઉદીમાં થયો હતો. તેમણે 1983માં અમેરિકાના ઈન્ડિયાના વિશ્વ વિદ્યાલયમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ તેઓ પત્રકારત્વમાં આવી ગયા હતા. જમાલ ખાશોગી ડોડી ફયાદના ભાઈ હતા. ફયાદ પ્રિન્સીઝ ડાયનાના બોયફ્રેન્ડ હતા જેમનું મૃત્યુ ડાયના સાથે જ પેરિસમાં થયેલા એક કાર એક્સીડન્ટમાં થયું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘની સેનાઓ અને મુઝાહિદ્દીનો વચ્ચે થયેલા સંઘર્ષનું રિપોર્ટિંગ કરતા સમયે તેઓ પહેલીવાર ચર્ચામાં આવ્યા હતા. જમાલ ખશોગીને 2003માં સાઉદી અરબના સૌથી ચર્ચિત સમાચાર પત્ર અલ-વતનના સંપાદક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ પોતાના ક્રાંતિકારી વિચારોને લઈને તેઓ આ પદ પર વધારે ટકી ન શક્યા.
સાઉદી શાસન વિરુદ્ધ ખુલીને લખવાને લઈને જમાલ ખશોદીને સાઉદી અરેબિયા છોડવું પડ્યું હતું. ખશોદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનની નીતિઓના આલોચક હતા અને તેમણે પોતાના કેટલાક મીત્રો અને રિપોર્ટર્સને જણાવ્યું હતું કે સાઉદી અરબમાં હવે હું અસુરક્ષિત હોય તેવી મને અનુભૂતિ થાય છે.
Al Jazeera TV ના માર્ચમાં પ્રસારિત થયેલા એક શો માં તેમણે જણાવ્યું હતું કે હવે હું સાઉદી છોડી દઈશ કારણ કે મારી ધરપકડ થાય તે મને પસંદ નથી. મને બેવાર નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે કારણ કે હું બદલાવ લાવવાના પક્ષમાં લખી રહ્યો હતો.
સાઉદી છોડ્યા બાદ જમાલ અમેરિકાના વર્જીનિયામાં રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેઓ વોશિંગ્ટન પોસ્ટમાં કોલમ લખતા હતા. પોતાની કોલમમાં જમાન મુખ્યત્વે સાઉદી સરકારની નીતિઓની ટીકા કરતા હતા. આપને જણાવી દઈએ કે તેમણે ગત વર્ષે મહોમ્મદ બિન સલમાન દ્વારા રાજકુમારો અને મંત્રીઓને જેલમાં મોકલવા પાછળની સ્ફોટક જાણકારીઓ ઉજાગર કરી હતી.
વર્ષ 1980 અને 1990માં અફઘાનિસ્તાનમાં જમાલ ખશોગીની મુલાકાત ઓસામા બિન લાદેન સાથે થઈ. આ દરમિયાન ખશોગીએ ઘણીવાર લાદેનનું ઈન્ટરવ્યુ કર્યું હતું. ખશોગી અને લાદેન મુખ્યત્વે તોરા બોરામાં મળતા હતા. વર્ષ 1995માં લાદેન સાથે ખશોગીની મુલાકાત સૂડાનમાં પણ થઈ હતી. ખશોગીએ લાદેનને હિંસા છોડવા માટે રાજી કરવાના પ્રયત્નો પણ કર્યા હતા. અમેરિકા પર 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ખશોગીએ લાદેન સાથે દૂરી બનાવી લીધી હતી.
જમાલ ખશોગીની ઈસ્તંબુલ સ્થિત સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં હત્યા કરી દેવામાં આવી હતી. બે ઓક્ટોબરના રોજ જમાલ ખશોગી બપોરે એક વાગ્યાના સુમારે સાઉદીના વાણિજ્યક દૂતાવાસની અંદર ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ડિવોર્સથી સંબધીત ડોક્યુમેન્ટ્સ લેવા માટે તેઓ દૂતાવાસ ગયા હતા. ખશોગી પોતાના બીજા લગ્ન હૈતિસ સંગીઝ સાથે કરવાના હતા. હૈતિસ દૂતાવાસ બહાર તેમની રાહ જોઈ રહી હતી. પરંતુ ઘણા સમય સુધી રાહ જોયા બાદ પણ ખશોગી બહાર ન આવ્યા.
ત્યારબાદ બીજા દિવસે સવારે સાઉદીની સરકારે એક નિવેદન જાહેર કરીને જમાલ ખશોગી ગુમ હોવાની વાત કહી. સરકારી નિવેદનમાં કહેવાયું કે ખશોગી પોતાના ડોક્યુમેન્ટ લીધા બાદ દૂતાવાસથી નીકળી ગયા હતા અને ત્યારબાદથી તેઓ લાપતા છે.
સરકારના આ નિવેદનનું હૈતિસ અને તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈય્યબ અર્દોઆન બંન્ને દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું. ખશોગી ગુમ થયાના સમાચાર સમાચારપત્રોમાં પ્રમુખતાથી છપાયા હતા. સાઉદી સરકાર ઉપર દબાણ બન્યા બાદ તુર્કીના અધિકારીઓને દૂતાવાસની ચકાસણી કરવાની મંજૂરી મળી હતી. 6 ઓક્ટોબરના રોજ તપાસ બાદ તુર્કી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે 2 ઓક્ટોબરના રોજ સાઉદી વાણિજ્યક દૂતાવાસમાં તેમની હત્યા થઈ હતી. જો કે સાઉદી આ વાતનું ખંડન કરતું આવ્યું છે.