માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ તો છે પરંતુ દડો હવે સાજિદ જાવિદના….

લંડનઃ ભાગેડુ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટિશ કોર્ટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે પરંતુ વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. હવે બ્રિટનની સરકારના જે પ્રધાને કોર્ટના નિર્ણય પર વિચાર કરવાનો છે તે પાકિસ્તાની મૂળના છે. હકીકતમાં આ મામલે હવે બ્રિટન બાદ ગૃહપ્રધાન સાજિદ જાવિદને ઔપચારિક નિર્ણય લેવાનો છે.

લંડનમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના મુખ્ય મેજિસ્ટ્રેટ જજ એમ્મા ઓર્બથનોટે માલ્યાના ભારત પ્રત્યાર્પણની મંજૂરી આપી હતી જેથી તેમના વિરુદ્ધ ભારતીય તપાસ એજન્સીઓ, સીબીઆઈ, ઈડી વગેરેની તપાસના આધારે કેસ ચલાવી શકાય. બ્રિટનના ગૃહ મંત્રાલયે વિજય માલ્યાને ભારતને પ્રત્યાર્પિત કરવા સંબંધિત વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટન કોર્ટનો નિર્ણય પ્રાપ્ત થવાની પુષ્ટિ કરી દીધી છે.

ગૃહપ્રધાન સાજિદ જાવિદ બ્રિટનના વડાપ્રધાનની કેબિનેટના સૌથી વરિષ્ઠ પ્રધાન છે. તેઓ પાકિસ્તાની મૂળના છે. જાવિદ પાસે હવે આ મામલે નિર્ણય લેવા માટે બે મહિનાનો સમય છે પરંતુ પૂરી અપીલ પ્રક્રિયા જોવામાં આવે તો પ્રત્યાર્પણની આખી પ્રક્રિયામાં સમય વધારે લાગે છે.

ભારત સરકારનો પક્ષ રાખનારા સીપીએસના પ્રવક્તાએ જણાવ્યું કે આ મામલાને ઝીણવટપૂર્વક ચકાસ્યા બાદ જો ગૃહ પ્રધાનને લાગે છે પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી શકાય તો તેમની પાસે બે મહિનાનો સમયગાળો હશે. પ્રવક્તાએ જણાવ્યું તેમના નિર્ણય બાદ હારનારો પક્ષ 14 દિવસની અંદર ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે.

એપ્રિલ 2017થી પ્રત્યાર્પણ વોરંટ બાદ માલ્યા જામીન પર છે. માલ્યાએ પોતાના વિરુદ્ધ મામલાને રાજનીતિ પ્રેરિત બતાવ્યો છે. માલ્યા વિરુદ્ધ પ્રત્યાર્પણનો મામલો કોર્ટમાં 4 ડિસેમ્બર, 2017માં શરુ થયો હતો. પ્રત્યાર્પણના મામલે સુનાવણી દરમિયાન માલ્યાએ જણાવ્યું કે ભારત છોડ્યાં પહેલાં હું નાણાંપ્રધાનને મળીને આવ્યો હતો.

માલ્યાએ જણાવ્યું કે હું આ મામલે સેટલમેન્ટ કરવા નાણાંપ્રધાનને મળ્યો હતો પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટ પ્લાનને લઈને સવાલો ઉભા કર્યા. માલ્યાના આ નિવેદન પર ભારતમાં રાજકારણ ગરમાયું. વિપક્ષી દળોએ નાણાંપ્રધાન જેટલી અને સત્તાધારી પક્ષ બીજેપી પર માલ્યાને વિદેશ ભગાડવાનો આરોપ લગાવ્યો.

વેસ્ટમિંસ્ટર કોર્ટમાં વિજય માલ્યાએ ભારતમાં જેલોની ખરાબ હાલતનું બહાનું બનાવીને જજને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો. આના પર જજે ભારત સરકારને મુંબઈના આર્થર રોડ જેલમાં તૈયાર શેલનો વીડિયો પણ રજૂ કરવા જણાવ્યું. ત્યારબાદ ભારતીય અધિકારીઓએ માલ્યાના વકીલોને આર્થર રોડ જેલની બેરેક નંબર 12નો વિડીયો બતાવ્યો. ઉલ્લેખનીય છે વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઈન્સે વર્ષ 2004 થી 2012 વચ્ચે 17 બેંકો પાસેથી કુલ 7800 કરોડ રુપિયાની લોન લીધી હતી. માલ્યાએ કિંગફિશર એરલાઈન્સ માટે લોન માંગતા સમયે બેંકોને પર્સનલ ગેરન્ટી આપી હતી.