અમદાવાદ- રાજસ્થાન તેમની રજવાડી છાપને લીધે વિશ્વભરમાં જાણીતું છે, દર વર્ષે અહીં હજારો વિદેશી પ્રવાસીઓ આવે છે. ત્યારે ન્યૂ યોર્કના વિશ્વપ્રસિદ્ધ ટ્રાવેલ મેગેઝિન ‘ટ્રાવેલ + લીઝર’એ જેની ઘણાં સમયથી રાહ જોવાઈ રહી હતી તે વર્ષ 2019 માટેના બેસ્ટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ એવોર્ડની યાદી જાહેર કરી છે.
વિશ્વની શ્રેષ્ઠ 100 હોટલની યાદીમાં નંબર 1નો ખિતાબ ઉદેપુરની ફાઇવ સ્ટાર વૈભવી હોટલ અને રિસોર્ટ્સ ‘ધી લીલા પેલેસ ઉદેપુર’ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, ‘ટોપ-10 હોટેલ્સ ઇન એશિયા’ કેટેગરીમાં ‘ધી લીલા પેલેસ’ નવી દિલ્હી ત્રીજા ક્રમે છે અને ધી લીલા પેલેસ બેંગ્લુરુને 10માં ક્રમ માટે પસંદ કરવામાં આવી છે. ધી લીલા પેલેસ ઉદેપુરએ ટોપ રિસોર્ટ્સ ઇન એશિયા કેટેગરીમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. લીલા પેલેસ ગ્રૂપનો સમાવેશ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સમાં પણ કરવામાં આવ્યો છે.
ધી લીલા પેલેસ ઉદેપુરના જનરલ મેનેજર રાજેશ નામ્બીએ જણાવ્યું હતું કે, ‘‘ટ્રાવેલ + લીઝર’ના આ રેન્કિંગ તેના વાચકોના સર્વે પર આધારિત છે, દર વર્ષે ઉત્સાહી વાચકોના સર્વે પર આધાર રાખી સમગ્ર વિશ્વની શ્રેષ્ઠ હોટલો અને રિસોર્ટ્સની પસંદગી કરવામાં આવે છે. આ સર્વે આવી હોટલો અને રિસોર્ટ્સના સ્થળ, તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, તેમના ફૂડ અને સરેરાશ કિંમતો પર આધારિત હોય છે.
આ સર્વે સમગ્ર વિશ્વના પ્રવાસન ઉદ્યોગમાં ખૂબ જ પ્રતિષ્ઠિત છે. બેસ્ટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની કેટેગરીમાં સમગ્ર વિશ્વમાંથી લાખો અરજીઓ આવે છે અને આથી જ વિશ્વના નં. 1 નું સ્થાન હાંસલ કરવું એ લીલા પેલેસ ઉદેપુર માટે ગૌરવની બાબત છે. આ માટેની પુરસ્કાર સમારંભ ન્યૂ યોર્કમાં યોજાશે, જ્યાં લીલા ગ્રૂપના પ્રેસિડેન્ટ રાજીવ કૌલ આ પુરસ્કાર સ્વીકારશે.’
નામ્બીએ ઉમેર્યું હતું કે, ‘આ પુરસ્કારને પરિણામે પ્રવાસનને પ્રોત્સાહન મળશે, હોટલ ઉદ્યોગ અને ફક્ત ઉદેપુરના જ નહીં પરંતુ સમગ્ર દેશના પ્રવાસનને વેગ મળશે. આ સર્વેના આધારે વિશ્વનો પ્રવાસન ઉદ્યોગ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ નક્કી કરે છે. નંબર વન બનવાના સન્માનની સાથે ઉદેપુર શહેર વિશ્વનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ બનવા સજ્જ થઈ ગયું છે. સાથે-સાથે યુએસ અને યુરોપ સહિત સમગ્ર વિશ્વમાંથી અહીં આવનારા પ્રવાસોઓની સંખ્યામાં પણ તે અભૂતપૂર્વ વધારો કરશે. આ સર્વેમાં અન્ય એક વિશેષ બાબત એ છે કે, ઉદેપુર શહેરને વિશ્વના 10માં સૌથી સુંદર પ્રવાસન શહેર તરીકે અને એશિયાના છઠ્ઠા સૌથી સુંદર શહેર તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે.’
ધી લીલા પેલેસ ઉદેપુરના જનરલ મેનેજર રાજેશ નામ્બી, કૉમર્શિયલ એન્ડ હેડ લાયેઝન દિનેસન નાયર અને ડેપ્યુટી જનરલ મેનેજર પ્રતીક સ્વરૂપ આ સિદ્ધિનો જશ હોટલની મુલાકાત લેનારા પ્રવાસીઓને આપે છે, જેમણે પેલેસની સેવાઓની કદર કરી હતી અને પોતાનું મૂલ્યવાન સમર્થન પૂરું પાડ્યું હતું. સમગ્ર વિશ્વના પ્રવાસીઓ દ્વારા પિચોલા સરોવરમાં સ્થિત ધી લીલા પેલેસ ઉદેપુરની સરાહના કરવામાં આવી છે અને તેની પર અત્યંત પ્રેમભાવ વરસાવવામાં આવ્યો છે.