ડેમોક્રેટ મહિલા સાંસદો પર જાતીય ટિપ્પણી કરી વિવાદોમાં ઘેરાયાં ટ્રમ્પ

વોશિગ્ટન- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ચાર ડેમોક્રેટ કોંગ્રેસ મહિલા સાંસદો પર જાતીય ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, તેઓ જે દેશમાંથી આવે છે તેમણે ત્યાં જ જતું રહેવું જોઈએ. ટ્રમ્પના આ નિવેદનને અમેરિકામાં રહેતી કેટલીક પ્રજાતિઓના લોકો અને પ્રવાસીઓને ખતરાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પે રવિવારે તેમના ટ્વીટમાં આ મહિલા સાંસદોને પ્રોગ્રેસિવ ડેમોક્રેટ કોંગ્રેસવુમન્સ ગણાવી હતી. આ મહિલા સાંસદોમાં ન્યૂયોર્કની એલેક્ઝેન્ડ્રિયા ઓકાસિયો-કાર્ટેઝ, મેનેસોટાની ઈલ્હાન ઉમર, મિશિગનની રશીદા તલૈબ અને મૈસાચ્યુસેટ્સની અયાના પ્રેસલેનો સમાવેશ થાય છે. આ ચારેય મહિલાઓ પ્રથમ વખત કોંગ્રેસ (અમેરિકન સંસદ)ની સભ્ય બની છે.

રિપોર્ટ મુજબ ટ્રમ્પ આ અગાઉ પણ જાતીય ટિપ્પણી કરી ચૂક્યાં છે. ગત વર્ષે તેમણે આફ્રિકન દેશોને બકવાસ ગણાવતાં કહ્યું હતું કે, ત્યાંથી લોકો માત્ર પ્રવાસી તરીકે જ આવે છે. એકવાર ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો અમેરિકાની ધરતી પર જન્મ નથી થયો, કાયદાની રીતે તેમને રાષ્ટ્રપતિ બનવાનો કોઈ અધિકાર નથી. અમેરિકામાં 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

ટ્રમ્પના અનુસાર જે દેશો સાથે આ મહિલા સાંસદો સંબંધ ધરાવે છે, ત્યાંની સરકારો પર સંકટ છે. ત્યાંની સરકારો પર ભ્રષ્ટાચારનો આરોપ છે. તેમને (સરકારોને) વિશ્વમાં દરેક જગ્યાએ અયોગ્ય ગણાવવામાં આવી છે. મહિલા સાંસદો અમેરિકાના લોકોને ભડકાવી રહી છે. જ્યારે અમારો દેશ ધરતી પર સૌથી મહાન અને શક્તિશાળી છે.

ટ્રમ્પે એમ પણ કહ્યું કે, આ સાંસદોએ તેમના દેશ પરત જતાં રહેવું જોઈએ. તેમણે તેમના દેશની સરકારોને સંપૂર્ણ રીતે ખત્મ કરવામાં મદદ કરવી જોઈએ. તેમણે ત્યાં દંગાગ્રસ્ત વિસ્તારોમાં જઈને હકીકત જોવી જોઈએ. ત્યારે બાદ તેઓ અમેરિકામાં પરત આવે અને જણાવે કે, કેવી રીતે ત્યાં કામ કરવામાં આવ્યું, ત્યાં તમારી ઘણી જરૂર છે, નૈન્સી પેલોસી ત્યાં જવાનો બંદોબંસ્ત કરીને ઘણી ખુશ થશે.

જો કે, ટ્રમ્પે કોઈનું નામ લઈને નિવેદન નથી આપ્યું, પરંતુ એ ચોક્કસથી કહ્યું છે કે, એ (મહિલા સાંસદ) બેલગામ ઝૂનૂનની સાથે ઈઝરાયલને નફરત કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, તેમનો ઈશારો ઈલ્હાન ઉમર અને રશીદા તલૈબ તરફ હતો.

પ્રતિનિધિ સભાની અધ્યક્ષ (સ્પીકર) નૈન્સી પેલોસીએ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટની ભરપુર ટીકા કરતાં કહ્યું કે, અમારી વિવિધતા અમારી મજબૂતી છે, અને અમારી એકતા અમારી તાકત છે. ડેમોક્રેટ નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણીને જાતિવાદી ગણાવી.