અમેરિકામાં ટેસ્લા કંપની ખામીયુક્ત હજારો ‘મોડેલ X’ કાર પાછી મગાવશે

ન્યૂયોર્કઃ અમેરિકાની ઓટોમોબાઈલ રેગ્યૂલેટર સંસ્થા નેશનલ હાઈવે એન્ડ ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ટેસ્લા કંપની તેના ખામીયુક્ત 54,676 ‘મોડેલ X’ મોટરકાર સહિતના વાહનોને પાછા મગાવશે. લૉ બ્રેક ફ્લૂઈડમાં તેમજ વોર્નિંગ લાઈટમાં ખામી ધ્યાનમાં આવી છે. ટેસ્લાએ એક સોફ્ટવેર અપડેટ કર્યું છે, જે તેના ગ્રાહકોને મફતમાં ઈન્સ્ટોલ કરી આપશે. સંબંધિત વાહનો ટેસ્લાએ 2021-2023 વચ્ચે બનાવ્યા હતા.

‘મોડેલ X’ મોટરકારો-વાહનોમાંની ખામીને કારણે કોઈ અકસ્માત સર્જાયો હોવા, કોઈને ઈજા થઈ હોવા કે કોઈનું મૃત્યુ નિપજ્યું હોવા વિશે પોતાને કોઈ જાણકારી નથી એમ ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક ટેસ્લા કંપનીએ કહ્યું છે.

સ્ટીયરિંગ કન્ટ્રોલ અને પાવર સ્ટીયરિંગ ગુમાઈ જતા હોવાના અહેવાલોને પગલે ટેસ્લાના 2,80,000 મોડેલ 3 અને મોડેલ Y વાહનોમાં તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.