એકે-47 રાઈફલ સાથે ટ્રમ્પના રિસોર્ટમાં ઘૂસનાર 3 કિશોરની ધરપકડ

ન્યૂયોર્કઃ પોલીસને છક્કડ ખવડાવીને કારતૂસોથી ભરેલી એકે-47 એસોલ્ટ રાઈફલ સાથે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાંના રિસોર્ટમાં ઘૂસેલા 3 સગીર વયના છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે. આ છોકરાઓએ એમની સાથેની એક બેકપેકમાં તે રાઈફલ છૂપાવી હતી.

15-વર્ષની વયના ત્રણેય છોકરા આજે ફ્લોરિડા રાજ્યના પામ બીચ પર માર-અ-લાગો રિસોર્ટની દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. કદાચ એમને ખબર નહોતી કે તેઓ ભૂલમાં કઈ જગ્યાએ આવી ગયા છે.

રિસોર્ટના ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા બાદ એ છોકરાઓએ 14-કારતૂસ ભરેલા પટ્ટાવાળી મિની એકે-47 રાઈફલવાળી બેકપેકને ગૂપચૂપ ફેંકી દીધી હતી.

ત્રણેય છોકરાઓ નસીબદાર હતા કે એ વખતે ત્યાં પ્રમુખ ટ્રમ્પ કે એમના પરિવારનું કોઈ સભ્ય હાજર નહોતું, નહીં તો સીક્રેટ સર્વિસના એજન્ટોએ એમને ગોળી મારી દીધી હોત.

આ રિસોર્ટ ઉનાળાની મોસમ માટે બંધ કરાયો છે.

ભાગેલા ત્રણેય છોકરાઓને શોધી કાઢવા માટે પોલીસ અધિકારીઓ રિસોર્ટને ઘેરી લીધું હતું અને એક હેલિકોપ્ટર અને એક પોલીસ શ્વાનની મદદ લીધી હતી.

ત્રણેય છોકરા પર જીવલેણ હથિયાર સાથે ઘૂસણખોરી કરવા, જીવલેણ હથિયાર સાથે ચોરી કરવા અને હિંસા વિના ધરપકડનો પ્રતિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ ત્રણેય છોકરાને એક જુવિનાઈલ ડીટેન્શન કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે, જ્યાં પ્રોસિક્યૂટર્સ નક્કી કરશે કે એમની પર પુખ્ત વયના લોકો તરીકેનો આરોપ મૂકવો કે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પ 2017માં અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી માર-અ-લાગો રિસોર્ટમાં અનેક વાર લોકોએ ઘૂસણખોરી કરી છે. ટ્રમ્પે 1985માં આશરે 1 કરોડ ડોલરમાં આ રિસોર્ટ ખરીદ્યો હતો. એ વખતે એમના પત્ની ઈવાના ટ્રમ્પ એ રિસોર્ટની સંભાળ રાખતા હતા. બે પત્નીને છૂટાછેડા આપ્યા બાદ પણ ટ્રમ્પે આ રિસોર્ટ પોતાના કબજામાં રાખ્યો છે. એમના પરિવારજનો આ રિસોર્ટમાં અલગ અલગ રીતે ખાનગી ક્વાર્ટર ધરાવે છે. અમેરિકાના પ્રમુખ તરીકે ટ્રમ્પ અવારનવાર અહીંની મુલાકાતે આવતા હોય છે. આને ‘વિન્ટર વ્હાઈટ હાઉસ’ કે ‘સધર્ન વ્હાઈટ હાઉસ’ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પ અનેક વિદેશી નેતાઓ સાથે અહીં મીટિંગો યોજતા હોય છે. જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે અને ચીની પ્રમુખ શી જિનપિંગ પણ આ રિસોર્ટમાં મહેમાન બની ચૂક્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]