વોશિંગ્ટન- વિશ્વભરમાં આત્મહત્યાને કારણે થનારા મોત મામલે વર્ષ 1990 બાદ આશરે એક તૃતીયાંશનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં જાહેર કરાયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. ધ બીએમજે પત્રિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, 2016માં આત્મહત્યા કરનારા લોકોમાં અંદાજે 44.2 ટકા લોકો ભારત અને ચીનમાંથી હતાં.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, 1990થી 2016 દરમિયાન આત્મહત્યાના કારણે થનારા મોતની સંખ્યામાં 6.7 ટકાનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ઉંમરને આધાર પર આ દરને સરખાવતા શોધકર્તાઓએ નોંધ્યું કે, આ સમયગાળામાં આત્મહત્યાથી થનારા મોત મામલે વૈશ્વિક મૃત્યુદરમાં આશરે 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.
અમેરિકાની વોશિંગ્ટન યૂનિવર્સિટીના સંશોધનકર્તાઓએ નોંધ્યું કે, આત્મહત્યાને કારણે થનારા મોતનો દર મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં વધારે છે. સાથે જ સામાજિક અને આર્થિક નુકસાન સંબંધિત મામલાઓમાં આત્મહત્યા કરનારાની સંખ્યા સૌથી વધુ છે. આત્મહત્યા જનસ્વાસ્થ્યનો વૈશ્વિક મુદ્દો છે, અને દર વર્ષે અંદાજે 8 લાખ મોત નોંધાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું લક્ષ્ય 2015થી 2030 દરમિયાન આત્મહત્યાથી થનારા મૃત્યુની સંખ્યાને એક તૃતીયાંશ સુધી ઘટાડવા માગે છે.