‘એર ઈન્ડિયા વન’ વધુ સુરક્ષિત થશેઃ અમેરિકાએ બે મિસાઈલ ડીફેન્સ સિસ્ટમનું વેચાણ મંજૂર કર્યું

વોશિંગ્ટન – ભારતના વડા પ્રધાન કે રાષ્ટ્રપતિને દેશમાં કે વિદેશપ્રવાસ વખતે જેમાં પ્રવાસ કરાવવામાં આવે છે તે ‘એર ઈન્ડિયા વન’ વિમાન માટે બે અત્યાધુનિક મિસાઈલ ડીફેન્સ સિસ્ટમ ભારતને વેચવા માટે અમેરિકાની સરકાર સહમત થઈ છે. આ સિસ્ટમ તે ભારતને 19 કરોડ ડોલરમાં વેચશે.

આ મંજૂરી મળવાથી ભારતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને સફર કરાવનાર વિમાનોની સુરક્ષા વધી જશે.

પેન્ટેગોનના જણાવ્યા મુજબ, આ વેચાણને અમેરિકાની વિદેશ નીતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાનું સમર્થન મળશે. તેમજ અમેરિકા-ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ વધારે મજબૂત થશે.

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે 19 કરોડ ડોલરના ખર્ચે જે બે મિસાઈલ સિસ્ટમ મંજૂર કરી છે તે આ છેઃ લાર્જ એરક્રાફ્ટ ઈન્ફ્રારેડ કાઉન્ટરમેઝર્સ (LAIRCAM) અને સેલ્ફ-પ્રોટેક્શન સૂઈટ્સ (SPS).

આ વિશેની જાણકારી અમેરિકાની ડીફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી દ્વારા અમેરિકી સંસદને મોકલાવેલા એક નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

ભારત સરકારે અમેરિકાને વિનંતી કરી હતી કે અમારા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનાં જાન પર મોટું જોખમ રહેલું હોવાથી LAIRCAM SPS સિસ્ટમો પૂરી પાડવાની અમેરિકા સરકાર મંજૂરી આપે.

આ ડીફેન્સ સિસ્ટમ ઈન્સ્ટોલ થવાથી એર ઈન્ડિયા વન વિમાનની સુરક્ષા અમેરિકાના એર ફોર્સ વન વિમાન જેવી જ થઈ જશે. આ સિસ્ટમ એર ઈન્ડિયાના બે વિશેષ બોઈંગ-777 વિમાનમાં બેસાડવામાં આવશે.

ભારત સરકાર તેના જ સંચાલન હેઠળની એર ઈન્ડિયા કંપની પાસેથી તે બંને બોઈંગ-777 વિમાન ખરીદશે. આ બંને વિમાનનો કમર્શિયલ ધોરણે ઉપયોગ કરવામાં નહીં આવે.

LAIRCM ટેક્નોલોજીનો લાભ એ છે કે તે મોટા કદના વિમાનને મેન-પોર્ટેબલ મિસાઈલોથી બચાવી શકાય છે. આ સિસ્ટમ વિમાનમાં ઈન્સ્ટોલ કરાયા બાદ ક્રૂ-વોર્નિંગ સમય વધી જાય છે અને અત્યાધુનિક ઈન્ટર્મીડિએટ રેન્જની મિસાઈલોનો ઓટોમેટિક સામનો થાય છે.

આ મિસાઈલ વોર્નિંગ સિસ્ટમમાં મલ્ટિપલ સેન્સર્સ બેસાડવામાં આવેલા હોય છે. તે લેસરનો ઉપયોગ પણ કરે છે. ક્રૂ સભ્યોએ કોઈ પ્રકારનો સામનો કરવાનો રહેતો નથી, બધું સિસ્ટમ દ્વારા આપોઆપ કામ થાય છે.

પાઈલટને માત્ર એટલી જાણ કરવામાં આવે છે કે કોઈક જોખમી મિસાઈલ નજરમાં આવ્યું હતું અને એને જામ કરી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમને લીધે પ્રાદેશિક જોખમોનો સામનો કરવાની ભારતની તાકાત વધી જશે. ભારતીયોને આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં કોઈ તકલીફ નહીં પડે એમ પણ જણાવવામાં આવ્યું છે.