નવી દિલ્હી- શ્રીલંકા હાલ ભયંકર વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. ત્યારે આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે દેશમાં વીજળી પૂરી પાડતી સરકારી કંપનીએ ભગવાન પાસે મદદ માગી છે. અને દેશના ઉત્તરીય ભાગમાં એવા વૃક્ષોને જળ અર્પણ કરવા માટે દૂતોને મોકલ્યાં જેને બૌદ્ધો પ્રવિત્ર માને છે. શ્રીલંકામાં દુષ્કાળને કારણે જળ વિદ્યુત ઉત્પાદન પ્રભાવિત થયું છે. દેશમાં ચાલુ સપ્તાહે વીજળી સંકટ યથાવત રહ્યું છે. લાંબા વીજળી કાપને કારણે દેશના લોકો ગરમીથી બચવા માટે ઘરની બહાર ઉંઘી રહ્યાં છે.
ખૂબઅપેક્ષિત વરસાદની આશાએ દેશમાં વીજળી પૂરી પાડતી સિલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડે કહ્યું કે, શ્રી મહાબોધિ વૃક્ષની પૂજા અર્ચના કરવામાં આવે. આ વૃક્ષ અનુરાધાપુરમાં છે અને દેશના બૌદ્ધ ધર્મમાં માનનારા આમા અસીમ શ્રદ્ધા ધરાવે છે. બૌદ્ધ સાધુઓના આશીર્વાદથી, પાણીના પાત્રો બોધિમાં મોકલવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે, આ વૃક્ષ એ વિશાળ વૃક્ષનો હિસ્સો છે જેની નીચે અંદાજે 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. સરકારી વીજળી કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, બોધિ વૃક્ષની આસપાસ પૂજા અર્ચના કરવામાં આવે અને આખી રાત ચાલનારા ધાર્મિક કાર્યક્રમો બાદ બૌદ્ધ સાધુઓને ભોજન કરાવવામાં આવશે.