નવી દિલ્હીઃ ટ્વીટર પર સાઉદી અરબની બુરખા વગરની મહિલાના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોગ્રાફ્સમાં મહિલા બુરખા વગર નજરે આવી રહી છે. મશાલ-અલ-જાલુદ નામની આ મહિલા 33 વર્ષની છે, કે જે બુરખો છોડીને વેસ્ટર્ન કપડા વ્હાઈટ ટ્રાઉઝર અને ઓરેન્જ રૈપ જેકેટમાં મોલની બહાર ફરતી નજરે આવી. મોલની બહાર ઉપસ્થિત ભીડ તેમને ઘૂરતી દેખાઈ, પરંતુ આમ છતા તે બિંદાસ અંદાજમાં ત્યાંથી પસાર થઈ.
માત્ર મશાલ-અલ-જાલુદ જ નહી પરંતુ 25 વર્ષની સામાજિક કાર્યકર્તા મનાહેલ-અલ ઓતૈબી પણ બુરખો છોડીને વેસ્ટર્ન કપડાઓ પર રોડ પર ફરતી દેખાઈ. અત્યારસુધી સાઉદી અરબ અથવા મુખ્યત્વે ઈસ્લામિક દેશમાં મહિલાઓ કાળા રંગનો બુરખો પહેરે છે. ત્યાં આ પ્રકારના પહેરવેશને મહિલાઓની પવિત્રતાના રુપમાં જોવામાં આવે છે. પરંતુ હવે સાઉદી પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનના એક ઈન્ટરવ્યુ બાદ આ બદલાવ નજરે આવી રહ્યો છે.
વર્ષ 2018 માં શહેજાદા મહોમ્મદ બિન સલમાને મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રેસ કોડમાં છૂટ આપવામાં આવી શકે છે. તેમનું કહેવું હતું કે આ પોશાક ઈસ્લામમાં અનિવાર્ય નથી, પરંતુ ત્યારબાદ પણ કોઈ ઔપચારિક નિયમ ન બનવાના કારણે આ ચલણ યથાવત છે.
આવું પ્રથમવાર નથી કે જ્યારે સાઉદી અરબની મહિલાઓએ બુરખા વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. આ પહેલા સોશિયલ મીડિયા પર સાઉદી અરબની મહિલાઓએ આ પ્રકારના પ્રતિબંધ વિરુદ્ધ બુરખા વગર સોશિયલ મીડિયામાં પોતાના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. પરંતુ બુરખા વગર આ મહિલાઓનું જાહેરમાં આ પ્રકારે ફરવું તે મામલો પ્રથમવાર સામે આવ્યો છે. આ ફોટોગ્રાફ્સ જોઈને અલગ-અલગ રિએક્શન્સ સામે આવ્યા છે, કોઈ તેમની સુરક્ષાની દુઆ કરી રહ્યું છે તો કોઈ આ મહિલાઓની હિંમતને દાદ આપી રહ્યું છે.