યૂક્રેનના અણુમથક પર રશિયન સૈનિકોનો હુમલો

કીવ (યૂક્રેન): યૂરોપ ખંડનું સૌથી મોટું અણુવિદ્યુત મથક યૂક્રેનમાં આવેલું છે. રશિયન સૈનિકોએ એની પર ગોળીબાર, બોમ્બમારો કર્યો હોવાનો અહેવાલ છે. યૂક્રેનના એનહોડર શહેરની હદમાં આવેલા આ અણુમથક પર રશિયાએ કરેલા હુમલાને કારણે ભીષણ આગ લાગી છે. પ્લાન્ટના પ્રવક્તા એન્ડ્રીઝ ટૂઝે એક વિડિયો નિવેદનમાં કહ્યું છે કે રશિયનો હેવી શસ્ત્રોમાંથી ગોળીબાર કરવાનું તાત્કાલિક બંધ કરે એવી અમારી માગણી છે. આને કારણે યૂરોપમાં સૌથી મોટા અણુ ઊર્જા મથકમાં ગંભીર ખતરો ઊભો થયો છે. આ અણુમથક યૂક્રેનની કુલ ઊર્જા જરૂરિયાતની પા ભાગની ઊર્જાનું ઉત્પાદન કરે છે.

ટૂઝે યૂક્રેન ટીવી પર જણાવ્યું કે બોમ્બ સીધા ઝાપોરેશિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર ફેંકવામાં આવી રહ્યા છે. મથકની છ અણુઠ્ઠીઓમાંની એકને આગ લાગી છે. આ ભઠ્ઠી રીનોવેશન હેઠળ છે એટલે કામ કરતી નથી, પરંતુ અંદર અણુઈંધણ રાખવામાં આવેલું છે. આગ બુઝાવવાના પ્રયાસ કરતા ફાયરમેનો પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.

બાઈડને યૂક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી

દરમિયાન, અમેરિકાના પ્રમુખ જૉ બાઈડને ઝાપોરેશિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાએ કરેલા હુમલાના સમાચાર બાદ યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ફોન કર્યો હતો અને ઘટના અંગે માહિતી મેળવી હતી. બાઈડને રશિયાને વિનંતી કરી છે કે તે અણુમથક વિસ્તારમાં હુમલા કરવાનું બંધ કરે, એમ વ્હાઈટ હાઉસ તરફથી જણાવાયું છે.