દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબમાં કેટલાક સ્થાનિકો દ્વારા પ્રશાસનિક અધિકારીઓની મૌન સહમતિ સાથે સદીઓ પુરાણાં ઐતિહાસિક હેરિટેજ ગુરુ નાનક મહલનો મોટો ભાગ તોડી પાડ્યો હોવાનું બહાર આવ્યું છે. સંકુલનો મોટો ભાગ ધ્વસ્ત કર્યાં બાદ સ્થાનિકોએ કીમતી બારીઓ-દરવાજાઓ વેચી નાંખ્યાં છે. સ્થાનિક સમાચાર સંસ્થા ડૉનના અહેવાલ પ્રમાણે ચાર માળની આ ગુરુ નાનક મહેલ ઇમારત પર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક ઉપરાંત હિન્દુ શાસકો અને રાજકુમારીના ચિત્રો હતાં.બાબા ગુરુનાનક મહેલને ચાર સદી પહેલાં બનાવાયો હતો. અહીં ભારત ઉપરાંત દુનિયાભરથી શીખો તીર્થ કરવા આવતાં રહે છે. લાહોરથી લગભગ 100 કિલોમીટર દૂર નરોવાલ શહેરમાં સ્થિત આ મહેલમાં 16 ઓરડા હતાં જેમાં દરેક ઓરડામાં ઓછામાં ઓછા ત્રણ દરવાજાઓ અને ચાર રોશનદાન હતાં.
અહેવાલમાં જણાવાયાં પ્રમાણે અધિકારીઓની મૌન સહમતી સાથે લોકોએ મહેલને આંશિકરુપે ધ્વસ્ત કરી દીધો અને મૂલ્યવાન દરવાજાઓ-બારીઓ, રોશનદાન વેચ્યાં હતાં. જોકે ત્યાંના તંત્રે આ મહેલનો માલિકના વિશે કોઇ જાણકારી ન હોવાનું જણાવાયું છે. સ્થાનિકના કહેવા પ્રમાણે પીટીઆઈ-ભાષા સંસ્થાના રીપોર્ટમાં કહેવાયું છે કે ઔફાક વિભાગને આ ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું કે કેટલાક પ્રભાવશાળી લોકો ઇમારતમાં તોડફોડ કરી રહ્યાં છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.ગુરુ નાનકમહલ ઇમારતની કાનૂની સ્થિતિ શું છે, તેના માલિક કોણ છે અને કઇ એજન્સી તેને સંલગ્ન લેખાંજોખાં રાખી છે તેની જાણકારી માટે પાકિસ્તાનની ઇવેક્યૂઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ કોઇ જાણકારી મળી શકી ન હતી.
નરોવાલ ઉપાયુક્તના જણાવ્યાં પ્રમાણે મહેસૂલ વિભાગમાં આ ઇમારતનો કોઇ રેકોર્ડ નથી, નગરપાલિકા સમિતિ તેના રેકોર્ડની તપાસ કરી રહી છે. અહીંની સંપત્તિમાં તોડફોડ કરનારા સામે કાર્યાવાહી થશે તેમ ઇટીબીપીના સિયાલકોટ અધિકારીએ જણાવ્યું હતું. તો કેટલાક અન્ય સ્થાનિકોએ વડાપ્રધાન ઇમરાનખાનને આ તોડફોડ કરનારા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. આ ઘટના બહાર આવતાં ટ્વીટર પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ‘નવજોતસિંહ સિદ્ધુ હવે ક્યાં છે શું તેઓ આ મુદ્દે પાકિસ્તાની પીએમ સાથે વાત કરશે ? પાકિસ્તાનને આ ઘટના અંગે શરમ આવવી જોઇએ.”