નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની બસ પર થયેલા આતંકી હુમલાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ ખતરનાક સ્થિતિ ચાલી રહી છે. અમે આ રોકવા ઈચ્છીશું. પુલવામા આતંકી હુમલાને લઈને ટ્રમ્પે કહ્યું કે ભારતે પોતાના જવાનોને ખોયાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકો આ મામલે વાતચીત કરી રહ્યાં છે. જે જમ્મૂ કાશ્મીરમાં થયું તેના કારણે વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ તણાવની સ્થિતિ ચાલી રહી છે જે ખૂબ ખતરનાક છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે પાકિસ્તાનને 1.3 બિલિયનની મદદ આપવા પર રોક લગાવી છે. અમે પાકિસ્તાન સાથે બેઠક કરી શકીએ છીએ. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામામાં થયેલા આતંકી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે આના પર રિપોર્ટ પ્રાપ્ત કરી રહ્યામ છે અને નિવેદન જાહેર કરશે.
આનાથી અલગ, વિદેશ મંત્રાલયના ઉપપ્રવક્તા રોબર્ડ પૈલાડિનોએ ભારત પ્રત્યે સમર્થન બતાવતાં પાકિસ્તાનને 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલાના જવાબદારોને સજા આપવા માટે કહ્યું હતું.
જમ્મુકશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ-એ-મહોમ્મદના એક ભીષણ ફિદાયીન હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયાં હતાં અને કેટલાક ઘાયલ પણ થયાં હતાં. જૈશના આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલી એક કારને સીઆરપીએફના જવાનોને લઈ જઈ રહેલી ટ્રક સાથે અથડાવી હતી. આપને જણાવી દઈએ કે સીઆરપીએફના જવાનો આ વાહનમાં જઈ રહ્યાં હતાં. આમાંથી મોટા ભાગના લોકો પોતાની રજા વીતાવ્યાં બાદ પોતાની ડ્યૂટી પર પાછાં ફરી રહ્યાં હતાં.