લંડનઃ સંશોધનકર્તાઓએ પૃથ્વી પર એક એવું વાતાવરણ શોધી કાઢ્યું છે કે જ્યાં જીવનની શક્યતાઓ શૂન્ય છે. આ શોધનો ઉદ્દેશ્ય જીવનની શક્યતાઓને ઓછી કરનારા ઘટકો મામલે જાણકારી પ્રાપ્ત કરવાનો છે. નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન નામની એક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનથી ખ્યાલ આવ્યો છે કે ઈથિયોપિયાના ડોલોલ જીઓ થર્મલ ફિલ્ડમાં ગરમ, ખારા, તળાવોમાં જીવન અશક્ય છે. આ તળાવોમાં કોઈપણ પ્રકારના સૂક્ષ્મ જીવો ઉપસ્થિત નથી.
સ્પેનિશ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધનકર્તાઓએ જણાવ્યું કે ડોલોલ ક્ષેત્ર મીઠાથી ભરાયેલા જ્વાળામુખીના મુખ એટલેકે ક્રેટર પર સ્થિત છે. હાઈડ્રોથર્મલ ગતિવિધિઓના કારણે આ ક્રેટરથી સતત ઉકળતુ પાણી અને ઝેરીલા ગેસ નિકળતા રહે છે.
શિયાળામાં પણ આ સ્થાનનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે અને આ પૃથ્વિ પર સ્થિત સૌથી ગરમ વાતાવરણ વાળા ક્ષેત્રો પૈકી એક છે.
સંશોધનકર્તાઓ અનુસાર આ ક્ષેત્રમાં વધારે ખારા અને વધારે એસિડિક તળાવો મળી આવે છે. શૂન્યથી લઈને 14 ના માનક પર આ સ્થાનનો પીએચ શૂન્ય ઓછો અર્થાત નકારાત્મક નિશાન સુધી પહોંચી જાય છે.
આ અધ્યયનના સહ-લેખિકા લોપેજ ગાર્સિયાએ જણાવ્યું કે, ગત સંશોધનોની તુલનામાં અમે આ વખતે વધારે નમૂનાઓની તપાસ કરી અને એ નિર્ણય પર પહોંચ્યા કે આ ખારા, ગરમ અને એસિડિક તળાવોમાં સૂક્ષ્મ જીવો રહેતા હોવાની શક્યતાઓ શૂન્ય છે.