વોશિગ્ટન: અમેરિકાનાં પ્રતિનિધિ સભાનાં સ્પીકર નૅન્સી પલોસીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની ઘોષણા કરી છે. ડેમૉક્રેટે ઔપચારિક રીતે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના પર લાગેલા આરોપોનો ઇનકાર કર્યો છે. જોકે મહાભિયોગની પ્રક્રિયા નિચલી સદનમાં પૂર્ણ થઈ જશે તો પણ રિપબ્લિકન બહુમત ધરાવતા સેનેટમાં પાસ થવું મુશ્કેલ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમીર ઝેલેસ્કી પર દબાણ કર્યું હતુ કે, તે ટ્રમ્પ ડેમૉક્રેટિક હરિફ ‘જો બાઇડન’ અને તેમના પુત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ શરુ કરે. જોકે, ટ્રમ્પે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ટ્રમ્પે એ વાત જરૂર સ્વીકારી છે. તેમણે પોતાના રાજકીય હરિફ વિશે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી હતી.
નૅન્સી પલોસીનું કહેવું છે કે ટ્રમ્પે અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિની જવાબદારી નક્કી થવી જોઈએ, તેઓ કોઈ પણ કાયદાથી ઉપર નથી. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવા માટે 20 રિપબ્લિકન સાંસદોની જરૂર પડશે, જે પોતાના જ રાષ્ટ્રપતિનો વિદ્રોહ કરે.
મહત્વનું છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડન 2020માં અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને ટક્કર આપી શકે છે.