સરકારી યોજનાનો લાભ લેવા 23 વખત કર્યા લગ્ન…

નવી દિલ્હી: ચીનમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એક પરિવારે અપનાવી એવી યુક્તિ જેને સાંભળીને તમે હેરાન થઈ જશો. ચીનના એક જ પરિવારના 11 લોકોએ 2 સપ્તાહમાં એકબીજા સાથે 23 વખત લગ્ન કર્યા અને પછી છૂટાછેડા પણ લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ગોટાળો ત્યારે સામે આવ્યો જ્યારે જ્યારે પૈન નામના વ્યક્તિને ઝેજિયાંગ પ્રાંત માટે લિશુઈ શહેરના એક નાના ગામમાં શહેરી નવીનીકરણ વળતર યોજના વિશે ખબર પડી.

People’s Daily ના રિપોર્ટ અનુસાર, સ્થાનિક નિવાસીઓને ઓછામાં ઓછા 40 વર્ગ મીટર (430 વર્ગ ફૂટ) ધરાવતા સાધારણ એપાર્ટમેન્ટ આપવામાં આવી રહ્યા હતાં. આ યોજનાનો લાભ લેવા માટે પૈનએ પોતાની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા અને 6 દિવસ બાદ પૈનને જમીન મળી ગઈ અને તેણે પોતાની પૂર્વ પત્નીને તલાક આપી દીધો. પરિવારના અન્ય સભ્યોએ પણ આ કથિત કૌભાંડમાં સાથ આપ્યો અને આ રીતે જમીન લેવા માટે પૈનએ પોતાની બહેન, સાળી સાથે પણ લગ્ન કર્યા. પૈનના પિતાએ પણ પોતાના સંબંધીઓ સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં તેની માતાએ પણ સાથ આપ્યો અને જમીન મળ્યા બાદ છૂટાછેડા લેતા રહ્યા.

રિપોર્ટ અનુસાર પૈનએ એક સપ્તાહમાં ત્રણ વાર લગ્ન નોંધણી કરાવી હતી. સરકારી અધિકારીઓને જ્યારે આ કૌભાંડની જાણ થઈ તો તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરી તો જાણવા મળ્યું કે એક જ પરીવારના 11 લોકોએ ઘર માટે આ રીતે લગ્ન કર્યા છે. અધિકારીઓએ તુરંત તમામ લોકોની ધરપકડ કરી. જેમાંથી ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે જ્યારે અન્ય લોકોને જામીન પર છોડી દેવામાં આવ્યાં છે. અધિકારીઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.