નવી દિલ્હીઃ આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન પર બધી બાજુથી સંકટના વાદળો મંડરાતા દેખાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની કડકાઈ બાદ હવે પાકિસ્તાનના સૌથી મોટા મદદગાર કહેવાતા અમેરિકાએ પણ પાકિસ્તાનના આર્થિક ડોઝને બંધ કરી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી 1.66 અબજ ડોલરની સહાયતા પર અટકાવી દીધી છે.
અમેરિકાએ આ નિર્ણય પહેલા આઈએમએફે પણ પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. આઈએમએફે પાકિસ્તાનને રાહત પેકેજ આપવા માટે કેટલીક કડક શરતો મૂકી છે. આપને જણાવી દઈએ કે આ રાહત પેકેજ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફરીથી રસ્તા પર લાવવા માટે જરુરી છે. આઈએમએફે પાકિસ્તાનના ચીન સાથે નાણાકીય સહયોગ સમજૂતીની પૂરી જાણકારી માંગી છે. જ્યારે પાકિસ્તાન અને ચીન બંન્ને આ સમજૂતીની રકમનો ખુલાસો નથી કરી રહ્યા.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનને દર વર્ષે અબજો ડોલર આપીએ છીએ. બિન લાદેન પાકિસ્તાનમાં રહી રહ્યો હતો પરંતુ અમે મદદ ન રોકી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે આર્થિક મદદ એટલા માટે રોકી કારણ કે તે લોકો અમારા માટે કશું જ નથી કરી શકતા.