નવી દિલ્હીઃ વિશ્વભરના આતંકી ફાઈનાન્સિંગને રોકવા માટે કામ કરતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ પાકિસ્તાનને હજુ પણ ‘ગ્રે લિસ્ટ’માં જ રાખવાનો નિર્ણય યથાવત રાખ્યો છે. ભારત સરકારે આતંકવાદને ફંડિંગ પૂરુ પાડવા મુદ્દે પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નાખવાની અપીલ કરી હતી. પરંતુ આજે પેરિસમાં મળેલી FATFની બેઠકમાં પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં નહીં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
14ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન આતંકવાદને ફંડિંગ કરતું હોવાનો કડક કેસ મુક્યો હતો. જો આજે ભારતને આ મુદ્દે જીત મળી હોત તો પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઇ ગયું હોત. ભારતે FATFને જણાવ્યું કે, પાકિસ્તાન અવાર-નવાર આતંકવાદ મુદ્દે કરાર ભંગ કરી રહ્યું છે અને અહીંની ધરતી પર આશ્રય મેળવેલા આતંકીઓ ભારતમાં વારંવાર આતંકી હુમલાઓ કરે છે.
પાકિસ્તાન આગામી ઓક્ટોબર મહિના સુધી ગ્રે લિસ્ટમાં જ રહેશે અને તેને બ્લેક લિસ્ટમાં મુકાવાથી રાહત મળી છે. કોઇ પણ દેશ જ્યારે બ્લેક લિસ્ટમાં મુકવામાં આવે તેનો અર્થ એ દેશ અને તેના અધિકારક્ષેત્ર માટે મોટું જોખમ ઉભું થાય છે. ઇરાન અને નોર્થ કોરિયા હાલ બ્લેક લિસ્ટમાં છે. ભારતે પુલવામા આતંકી હુમલામાં 44 જવાનોની શહીદી માટે પાકિસ્તાન જવાબદાર હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
14 ફેબ્રુઆરીના રોજ થયેલા આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન JeM (જૈશ-એ-મોહમ્મદ)એ લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ભારતે FATF સામે આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. ભારતે એવી દલીલો પણ કરી હતી કે, પાકિસ્તાન આ આતંકી ગતિવિધિઓને અટકાવવા અસક્ષમ છે અથવા આ દેશ પોતે જ આતંકી જૂથોને ફંડ પુરૂં પાડે છે.
શું છે FATF?
ધ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે, FATF એક ઇન્ટર-ગવર્મેન્ટલ બોડી છે જેની સ્થાપના 1989માં કરવામાં આવી હતી. 2001માં FATFમાં મની લોન્ડરિંગ ઉપરાંત આતંકવાદ ફાઇનાન્સિંગને લડવાના પ્રયત્નોના ઉકેલ અને તેના આદેશને લગતા અધિકારોનો પણ સમાવેશ થયો હતો.
જૂન 2008માં પાકિસ્તાને FATFના આદેશ હેઠળ કામ કરવા અને એશિયા પેસિફિક ગ્રૂપમાં ભાગ લેવા માટે ઉચ્ચ સ્તરની રાજકીય પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જેથી તે કાઉન્ટર-ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ સંબંધિત ખામીઓને દર્શાવી શકે.
આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બ્લેક લિસ્ટમાં સામેલ થવાથી બચવા માટે પાકિસ્તાને વાયદો કર્યો હતો કે, તેની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી દેશમાં ચાલતી ટેરર ફંડિંગ એક્ટિવિટીઝને ઓળખશે અને તેને લગતા જરૂરી ઇન્વેસ્ટિગેશન કરશે. આ માટે તેઓ ઇન્વેસ્ટિગેશન ટીમ માટે સ્પેશિયલ ટીમની રચના કરશે.
ઉલ્લેખનીય છે કે, FATF જ્યારે કોઇ દેશને બ્લેક લિસ્ટમાં મુકે છે ત્યારે IMF જેવી સંસ્થાઓ જે-તે દેશને નાણાકીય કે આર્થિક સહાય કરી શકતી નથી.