પાકિસ્તાન સેનાએ કરી પત્રકાર પરિષદ, અમે યુદ્ધની તૈયારી કરતાં નથી, પરંતુ…

નવી દિલ્હી-  પુલવામામાં આતંકી હુમલા બાદ આજે પ્રથમ વખત પાકિસ્તાની સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું કે, અમે યુદ્ધ માટે તૈયાર નથી થઈ રહ્યાં, પરંતુ ભારત યુદ્ધની ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાન યુદ્ધની તૈયારી નથી કરી રહ્યું પરંતુ જો સામેના પક્ષ તરફથી યુદ્ધ કરવામાં આવશે તો અમે તેનો યોગ્ય જવાબ આપીશુ.

પાકિસ્તાન આર્મીના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું, જેવી રીતે બનતું આવ્યું છે, ભારતમાં કોઇ પણ ઘટના બને ત્યારબાદ તાત્કાલિક પાકિસ્તાન પર આરોપ લગાવી દેવામાં આવે છે. આ વખતે અમે જવાબ આપવામાં થોડો સમય લીધો કારણ કે જે આરોપો લગાવ્યા હતા તેની અમે તપાસ કરી. 1947માં પાકિસ્તાન આઝાદ થયું. આ હકીકતને ભારત ક્યારેય કબૂલી શક્યું જ નથી. 1965માં અમારી વચ્ચે પહેલીવાર યુદ્ધ થયું, 1971માં લિબરેશનની મદદથી કાવતરાંથી અમને હટાવવામાં આવ્યા. 1999માં તેઓ કારગિલ લઇ આવ્યા.

પાકિસ્તાન આર્મીના મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, ભારત આજ સુધી એ પચાવી નથી શક્યું કે, પાકિસ્તાન આઝાદ થઇ ગયું છે. 1947થી કાશ્મીરીઓ પર અત્યાચાર થઇ રહ્યા છે. ભારત અમારાં દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. અમારી પૂર્વ સરહદ પર ભારત વારંવાર આક્રમકતા દેખાડતું રહ્યું છે.

વધુમાં ગફૂરે જણાવ્યું કે, 2008માં અમે જ્યારે આતંકવાદ વિરૂદ્ધ યુદ્ધ લડી રહ્યા હતા, ત્યારે એકવાર ફરીથી ભારત બોર્ડર પર પોતાનું સૈન્ય લઇ આવ્યું. ભારતના આતંકવાદની સાબિતી કુલભૂષણ જાધવ તરીકે મોજૂદ છે. પાકિસ્તાન હંમેશા અમનની વાત કરતું કહ્યું છે. એલઓસી પર સિઝફાયર પણ અમે જ યથાવત રાખ્યું છે. 2001માં ભારતીય સંસદ પર હુમલો થયો તે સમયે પણ ભારતમાં ચૂંટણી થઇ રહી હતી.

બીજી તરફ, ભારતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. પાકિસ્તાનને ડિપ્લોમેટિક રીતે અલગ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે, પરંતુ બીજાં દેશોના પ્રમુખ અમારાં દેશની મુલાકાતે આવી રહ્યા છે. નિયંત્રણ રેખા પર ભારતની અનેક સ્તરે સુરક્ષા છે. તો પછી એ કેવી રીતે શક્ય બન્યું કે, ભારતમાં કોઇ એલઓસી ક્રોસ કરીને ઘૂસે? તમે તમારાં સૈન્યને પૂછો કે કેવી રીતે ઘૂસણખોરી થઇ રહી છે?

ગફૂરે કહ્યું, ભારતમાં પહેલાં પણ અનેક લોકોએ આ પ્રકારના હુમલાનો અંદાજ લગાવ્યો હતો. આ શક્યતાઓ તેમના સોશિયલ મીડિયા પર આવી હતી. તમે એ પણ જોઇ લો કે આ હુમલામાં કાશ્મીરમાં જે લોકોનાં મોત થયા છે, તેઓની ક્લાસ કમ્પોઝિશન શું છે. પુલવામામાં જ્યારે આદિલની અંતિમ યાત્રા નિકળી તો અનેક લોકોએ તેમાં હાજરી આપી. તમે વિશ્વની સૌથી મોટી લોકશાહી છો, બે લોકશાહીઓની વચ્ચે ક્યારેય યુદ્ધ નથી થતું. તમે એક સેક્યુલર દેશ છો, પરંતુ જે કશ્મીરી લોકોની સાથે અહીં થઇ રહ્યું છે તે યોગ્ય નથી.