ભારત સાથે તણાવની વચ્ચે પાકિસ્તાને બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું કર્યું પરીક્ષણ

નવી દિલ્હીઃ પાકિસ્તાને પોતાની બેલેસ્ટિક મિસાઈલ ગજનવીનું પરીક્ષણ કર્યું છે. સપાટીથી સપાટી પર 290 થી 320 કિલોમીટર સુધી માર કરવામાં સક્ષમ ગજનવી મિસાઈલ 700 કિલોગ્રામ વિસ્ફોટક પોતાની સાથે લઈ જવામાં સક્ષમ છે. આ પરીક્ષણ માટે પાકિસ્તાને પોતાનું કરાંચી એરસ્પેસ બંધ કરી દીધું હતું.

પાકિસ્તાનનું ગજનવી મિસાઈલનું પરીક્ષણ કરવું તે દુનિયાને તણાવનો સંદેશ આપવાનો પ્રયત્ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને મિસાઈલ પરીક્ષણ માટે પોતાની નેવીને એલર્ટ જાહેર કરવાની સાથે જ કરાંચીના ત્રણ વાયુ માર્ગ બંધ કરી દીધા હતા. પાકિસ્તાનના નાગર વિમાનન પ્રાધિકરણે 28 ઓગસ્ટના રોજ ચાર દિવસ માટે ત્રણ વાયુમાર્ગ બંધ કરવાની જાહેરાત કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી અનુસાર કોઈપણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા આપવાની હોય છે. પાકિસ્તાન દ્વારા આની સૂચના પહેલા જ ભારતને આપવામાં આવી ચૂકી છે. પાકિસ્તાને આની સૂચના 26 ઓગસ્ટના રોજ ભારતીય અધિકારીઓ સાથે શેર કરી દીધી હતી.

તાજેતરમાં પાકિસ્તાન સરકારમાં પ્રધાન એવા ફવાદ ચોધરીએ ટ્વિટર પર જાહેરાત કરી હતી કે, પાકિસ્તાની સરકાર ભારત માટે તમામ એરરુટ બંધ કરવાના નિર્ણય મામલે વિચાર કરી રહી છે. ત્યારબાદ સમાચારો સામે આવ્યા કે પાકિસ્તાને પોતાના કરાંચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કરી દીધું છે, જો કે આમાં તેણે ભારતને રુટની વાત કહી નહોતી.