ઇસ્લામાબાદઃ ભારતની સાથે પાકિસ્તાન પણ સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે. જોકે ભારતનો પડોશી દેશ શ્રીલંકા પછી પાકિસ્તાનની સ્થિતિ પણ આર્થિક મોરચે ખરાબ છે. પાકિસ્તાન કંગાળીને આરે છે. પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ છે અને અર્થતંત્ર સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યું છે. રોકડની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ફોરેન રિઝર્વમાં મોટા પાયે ઘટાડો થયો છે. એ ઘટીને 7.83 અબજ ડોલરે આવી ગયું છે, જે 2019 પછીના ન્યૂનતમ સ્તરે છે. રિઝર્વ ત્રણથી ચાર સપ્તાહના આયાત બિલની બરાબર છે. જેથી પાકિસ્તાને આયાત પર નિયંત્રણો મૂક્યાં છે.
ફોરેન રિઝર્વ ઘટવાને કારણે પાકિસ્તાન કટોરો લઈને આરબ દેશો અને આંતરરાષ્ટ્રીય બેન્કોની સામે હાથ જોડી રહ્યું છે, પણ શહબાઝ શરીફને આરબ દેશોએ લોન આપવાની ઘસીને ના પાડી દીધી છે. જનરલ બાજવાએ પણ લોન માટે ધા નાખી હતી, પણ તેમને પણ માત્ર આશ્વાસન મળ્યું છે.
પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. હાલ એક લિટર પેટ્રોલની કિંમત ત્યાં રૂ. 248 છે, જ્યારે ડીઝલની કિંમત લિટરદીઠ રૂ. 263 છે. પાકિસ્તાનની બજેટ ખાધ 1600 અબજ ડોલરથી વધીને 3500 કરોડ ડોલર થઈ છે, એમ પાકિસ્તાનના નાણાં મંત્રી મિફ્તાહ ઇસ્માઇલે જણાવ્યું હતું.
પાકિસ્તાનના મંત્રી મંડળે હાલમાં એ બિલને મંજૂરી આપી છે, જેમાં સરકારી સંપત્તિઓને હવે અન્ય દેશોને વેચી શકાય. આ બિલમાં બધી પ્રક્રિયા અને નિયમોની ઉપર જઈને સરકારી સંપત્તિઓ અન્ય દેશોને વેચવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણય દેશને નાદાર થવાના જોખમને ટાળવા માટે લેવામાં આવ્યો છે.