સહાય અટકાવવા મુદ્દે ટ્રમ્પઃ આપણે અબજોની મદદ કરતાં રહ્યાં ને લાદેન ત્યાં બેઠો હતો…

વોશિંગ્ટન- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આતંકવાદ મુદ્દે ફરી એકવખત પાકિસ્તાન પર સખ્તી દર્શાવી છે. સાથે જ ઈસ્લામાબાદને કરોડો ડોલરની સૈન્ય સહાયતા રોકવાના પોતાના વહીવટીતંત્રના નિર્ણયનો બચાવ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે, પાકિસ્તાને અમેરિકા માટે કશું પણ કર્યું નથી. અને ત્યાંની સરકારે અલકાયદાના સૂત્રધાર ઓસામા બિન લાદેનને છુપાવવા માટે મદદ કરી હતી એટલા માટે તેને અપાતી કરોડો ડોલરની મદદને અટકાવી દેવામાં આવી છે.

ટ્રમ્પે ફોક્સ ન્યુઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં લાદેન અને પાકિસ્તાનના એબટાબાદના તેના ઠેકાણાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘મિલેટ્રી એકેડમી પાસે પાકિસ્તાનમાં લાદેન રહેતો હતો, પાકિસ્તાનમાં દરેકને ખબરી હતી કે લાદેન ત્યાં રહે છે. મને લાગે છે કે લાદેને તેને સારું ઠેકાણું સમજ્યું હશે એટલે જ ત્યાં રોકાયો હતો !

ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાનમાં સૈન્ય એકેડેમીની એકદમ બાજુમાં જ રહેવું તે વાતનો પૂરાવો છે કે પાકિસ્તાન જ તેને આશરો આપી રહ્યું હતું આમ છતાં પાકિસ્તાનને વર્ષમાં 1.3 અબજ ડોલર આપી રહ્યા હતાં. લાદેના પાકિસ્તાનમાં રહેતો હતો છતાં અમે પાકિસ્તાનનું સમર્થન કરતાં હતા. અમે તેને વર્ષમાં 1.3 અબજ ડોલર આપતાં હતા જે હવે બંધ કરવામાં આવે છે. અમે આ આર્થિક મદદને સમાપ્ત કરી નાખી છે કેમ કે પાકિસ્તાન અમેરિકા માટે કંઈ કરતું જ નથી.

ઉલ્લેખનીય છે કે, સૈન્ય તરફથી મળતી મદદ બંધ કર્યા બાદથી અમેરિકા અને પાકિસ્તાનના સંબધોમાં તિરાડ પડી છે. ગત વર્ષે ઓગષ્ટમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયાને લઈને પોતાની નીતિઓની ઘોષણા કરતા ટ્રમ્પે પાકિસ્તાનને આતંકીઓને રક્ષણ આપતું રાષ્ટ્ર ગણાવ્યું હતું, જેમણે અફઘાનિસ્તાનમાં અમેરિકનોની હત્યા કરી હતી. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, આતંકીઓને મદદ કરવાથી પાકે ઘણું બઘુ ગુમાવવું પડશે.