ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતીય વાયુસેના દ્વારા એલઓસી પાર જઈને આતંકી અડ્ડાઓ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને સ્વીકારી છે અને વડાપ્રધાન ઈમરાન ખાને આના પર વિચાર-વિમર્શ કરવા માટે એક બેઠક બોલાવી છે.
વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ વિદેશ મંત્રાલયમાં મંગળવારના રોજ આપાત પરામર્શ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મીડિયાને આ જાણકારી આપી છે. કુરેશીએ કહ્યું છે કે પાકિસ્તાનને આત્મ રક્ષા કરવાનો અધિકાર છે અને તે ભારતીય કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપશે.
મહમૂદ કુરેશીએ કહ્યું કે અમે વિશ્વને જણાવવા માંગીએ છીએ કે શું ઘટિત થઈ શકે છે. ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ભારતે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું છે અને પાકિસ્તાનને એ અધિકાર છે કે તે આત્મરક્ષા માટે યોગ્ય જવાબ આપે. પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે આ બધી વાતમાં એ વાત પણ જાણવી જરુરી છે કે ભારતે પાકિસ્તાની સૈન્ય કે સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. માત્ર આતંકીઓ અને આતંકી ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. છતા પાકિસ્તાન શાં માટે હેબતાઈ ગયું છે તે હજી સમજાતું નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર પાક.ના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગે નેશનલ એસેમ્બલીમાં એક આપાતકાલીન બેઠક બોલાવી છે. બેઠકની અધ્યક્ષતા શાહિદ ખક્કાન અબ્બાસી કરશે. આમાં ભારતની કાર્યવાહીનો જવાબ આપવા માટે યોજનાની તૈયારી પર વાતચીત કરવામાં આવશે.