ઈસ્લામાબાદઃ પાકિસ્તાને મુંબઈ આતંકી હુમલામાં માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાના ત્રણ સદસ્યોની ધરપકડ કરી છે. આ લોકો પર પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ટેરર ફંડિંગ આરોપ છે. પાકિસ્તાન પર આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરવા આંતરરાષ્ટ્રીય સ્તરેથી દબાણ છે. ત્યારે ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન સ્થિત પંજાબ પોલીસના CTD વિભાગે લાહોરથી 150 કિલોમીટર દૂર ફૈસલાબાદમાં છાપેમારી દરમિયાન આ ત્રણે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સીટીડી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ ત્રણ લોકો પાસેથી લાખો રુપિયા જપ્ત થયા છે. જે તેમણે આતંકીઓને નાણાકિય સહાય આપવા માટે એકત્ર કર્યા હતા. આ લોકો વિરુદ્ધ ફૈસલાબાદની એક કોર્ટમાં રિપોર્ટ નોંધાવવામાં આવ્યો છે. ગત સપ્તાહે પાકિસ્તાને જૈશ-એ-મહોમ્મદના 10 સભ્યોને આ જ આરોપો અંતર્ગત પંજાબથી પકડ્યા હતા. પોલીસે જણાવ્યું કે દેશભરમાં ટેરર ફંડિંગ રોકવા માટે ધરપકડ ચાલી રહી છે.
નેશનલ એક્શન પ્લાન 2015 અંતર્ગત પાકિસ્તાની સરકારે પોતાની ધરતી પર ચાલી રહેલા આતંકી સંગઠનોને તોડી પાડવા માટે ઝુંબેશ ચલાવી છે. જે આતંકી સંગઠનો પર સંયુક્ત સુરક્ષા પરિષદે રોક લગાવી છે. ઈમરાન ખાન સરકારે તેમની સંપત્તિ અને ખાતા સીઝ કરવાની જાહેરાત કરી છે.
રિપોર્ટ્સ અનુસાર જ્યારથી પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર બની છે, ત્યારથી જમાત-ઉદ-દાવાનો હેડ હાફિઝ સઈદ ખૂબ લો-પ્રોફાઈલ થઈ ગયો છે. સરકારે જમાત અને તેના સહયોગી ફાઉન્ડેશનની પ્રોપર્ટીઝ, સેમિનાર અને મસ્જિદોનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે.
પુલવામા આતંકી હુમલા બાદ ભારે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પાકિસ્તાની સરકારે જમાત અને એફઆઈએફને બેન કરવાની જાહેરાત કરી હતી. આ હુમલામાં 40 જેટલા સીઆરપીએફના જવાનો શહિદ થયા હતા. ત્યારબાદ સઈદને લાહોર સ્થિત જમાતના મુખ્યાલયમાં જવાથી રોકવામાં આવ્યો હતો. જમાતને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું ફ્રંટ ઓર્ગેનાઈઝેશન માનવામાં આવે છે. આ આતંકી સંગઠનના આતંકીઓએ 26/11 ના હુમલામાં 166 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જૂન 2014માં આને આતંકી સંગઠન જાહેર કરી દીધું હતું.