કિમ જોંગે 5 અધિકારીઓને મોતને ઘાટ ઊતાર્યાં, ટ્રમ્પ સાથેની બેઠક બની કારણ

સિયોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉનની વધુ એક ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે.  આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બીજા ચરણની શિખર વાર્તા અસફળ રહ્યાં બાદ કિમ જોંગે પોતાના 5 અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દીધાં છે. સાઉથ કોરિયાના એક અખબાર ચોસુન ઇલ્બોએ હાલમાં જ આ અંગે સ્પષ્ટતા કરી છે. રિપોર્ટ્સ અનુસાર, શિખર સમ્મેલન પૂર્ણ થયા બાદ સંયુક્ત રાજ્ય અમેરિકામાં તેમના વિશેષ દૂત કિમ હ્યોક ચોલને મોતને ઘાટ ઉતારી દીધાં છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પની સાથે કિમની આ મીટિંગ નક્કી કરાવનાર વિશેષ પ્રતિનિધિ કિમ હ્યોક ચોલને સર્વોચ્ચ નેતા સાથે વિશ્વાસઘાત કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. વિયેતનામમાં થયેલી બંને નેતાઓની મીટિંગ સમયે પણ ચોલ કિમની સાથે જ હતાં. કિમ હ્યોક ચોલને માર્ચમાં મિરિમ એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના ચાર વરિષ્ઠ ઓફિસરોની સાથે ફાયરિંગ સ્ક્વોડે મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અખબારમાં માર્યા ગયેલા બાકી ચાર ઓફિસરોના નામ જાહેર કરવામાં નથી આવ્યાં.

અખબારમાં વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કિમ જોંગે તેમની ઇન્ટરપ્રિટર (ટ્રાન્સલેટર) શિન હઈ યોંગને શિખર સમ્મેલનમાં ભૂલ કરવા બદલ જેલમાં મોકલી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે શિન ટ્રમ્પને કિમ જોંગના પ્રસ્તાવને સમજાવવામાં અસફળ રહી. અને ટ્રમ્પ કોઈ પણ ડીલની જાહેરાત કર્યા વગર ત્યાંથી જતા રહ્યાં.

મહત્વનું છે કે, બંને દેશો વચ્ચે પરમાણુ પરિક્ષણ પર લગાવેલા પ્રતિબંધોને દૂર કરવાને લઈને ડીલ થવાની હતી. જો કે, વાતચીતના અંતે કોઈ નિરાકરણ આવ્યું નહતું. ઉત્તર કોરિયાએ મે મહિનામાં બે ટૂંકા અંતરની મિસાઈલ પરીક્ષણની માગ કરી હતીં.