જિનેવા (સ્વિટ્ઝરલેન્ડ) – સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ (UNHRC)ના આજે અહીં મળેલા 42મા અધિવેશનમાં પાકિસ્તાને ફરી કશ્મીરના નામે પોક મૂકી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું કે જમ્મુ અને કશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભારત અંત લાવે અને ત્યાં મૂળભૂત અધિકારો તથા આઝાદી પ્રસ્થાપિત થાય એની યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (UNHRC)ને અપીલ કરી છે.
UNHRC સત્રમાં કુરેશીએ પાકિસ્તાન વતી દલીલો રજૂ કરી હતી. એમણે કહ્યું કે જમ્મુ અને કશ્મીર ભારતનું એક રાજ્ય છે. આમ કહીને એમણે કબૂલ કર્યું કે કશ્મીર ભારતનો એક હિસ્સો છે. જોકે સાથોસાથ, એમણે કશ્મીર વિશે ભારતને બદનામ કરવા માટે પોતાની જૂની રેકર્ડ વગાડવાનું તો ચાલુ જ રાખ્યું.
ભારત સરકારે ગઈ પાંચમી ઓગસ્ટે બંધારણની 370મી કલમને રદ કરી હતી જેણે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપ્યો હતો. સરકારે મોટા નિર્ણયો લઈને તે કલમને રદ કરી હતી અને જમ્મુ અને કશ્મીરના રાજ્યનો દરજ્જો પણ રદ કરી એનું બે કેન્દ્રશાસિત ભાગમાં સર્જન કર્યું હતું. એક કેન્દ્રશાસિત પ્રદેશ એટલે જમ્મુ અને કશ્મીર તથા બીજો લડાખ. ભારતના આ નિર્ણયોથી પાકિસ્તાન ભડક્યું છે અને દુનિયામાં જ્યાં તક મળે છે ત્યાં બૂમાબૂમ કરે છે.
ભારત સરકારે કશ્મીરમાં પોતે કરેલા ફેરફારોને દેશની આંતરિક બાબત તરીકે જણાવી છે અને કહ્યું છે કે આ બાબતમાં બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી.
કુરેશીએ કહ્યું કે જમ્મુ અને કશ્મીરમાંની પરિસ્થિતિને આવનારી આપત્તિ તરીકે ઓળખાવી છે અને કહ્યું કે UNHRC એ ધ્યાન રાખે કે ભારત સરકાર કશ્મીરમાં એના સુરક્ષા દળો દ્વારા પેલેટ ગન્સનો ઉપયોગ કરતું અટકે, કર્ફ્યૂનો અંત લાવે અને ત્યાં મૂળભૂત અધિકારો તથા આઝાદીને પ્રસ્થાપિત કરે, રાજકીય કેદીઓને મુક્ત કરે તથા રક્તપાતનો અંત લાવે.
કુરેશીએ કહ્યું કે ભારત સરકારે જમ્મુ અને કશ્મીરમાં લોકોના અધિકારોનું હનન કરનારાઓ સામે પગલાં લેવા જોઈએ અને ત્યાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનનું UNHRCને નિરીક્ષણ કરવા દે.
કુરેશીએ એમ પણ કહ્યું છે કે માનવ અધિકારોનું રક્ષણ કરતી સંસ્થાઓ તથા આંતરરાષ્ટ્રીય મિડિયાને પણ જમ્મુ અને કશ્મીરમાં કોઈ અવરોધ વગર પ્રવેશ કરવા દેવો જોઈએ.
કુરેશીએ કહ્યું કે કશ્મીરમાં કશ્મીરી લોકોનાં અધિકારીઓનું ભારત સરકાર ગળું ઘોંટી રહી છે. જમ્મુ અને કશ્મીર પૃથ્વી પરની સૌથી મોટી જેલ બની ગઈ છે. દુકાનોમાં ચીજવસ્તુઓના પુરવઠાની તંગી ઊભી થઈ છે અને હોસ્પિટલોમાં દવાઓ ઓછી થઈ ગઈ છે.
UNHRCનું આ અધિવેશન 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન આ અધિવેશનને ભારત વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે એક તકના રુપમાં જોઈ રહ્યું છે. આર્ટિકલ 370 ને નિષ્પ્રભાવી કરવામાં આવ્યા બાદથી જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કહે છે કે જમ્મૂ-કાશ્મીરમાં ભારત સરકાર દમન કરી રહી છે. ભારત તેના તમામ દાવાને ફગાવતું રહ્યું છે.
પાકિસ્તાન સતત એ પ્રયત્નો કરતું રહ્યું છે કે UNHRC માં કાશ્મીરને લઈને એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવે.
પાકિસ્તાન આના માટે તમામ કૂટનીતિક પ્રયત્નો પણ કરી ચૂક્યું છે કે જો કદાચ તે UNHRC ના કુલ 47 સદસ્યો પૈકી 16નું પણ સમર્થન પ્રાપ્ત કરી લે, તો એક તૃતિયાંશ સભ્યોનું સમર્થન પ્રાપ્ત થઈ જશે. મુસ્લિમ દેશોના સંગઠન IOC ના સભ્ય દેશોની UNHRC માં મુખ્ય ભૂમિકા હશે. IOC ના 15 સભ્ય દેશો UNHRC ના સદસ્ય છે. તાજેતરમાં જ IOC એ જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.