ઓકલેન્ડ (કેલિફોર્નિયા) – 2011થી 2017ની સાલ સુધી કેલિફોર્નિયા રાજ્યના એટર્ની જનરલ પદે રહી ચૂકેલાં અને કેલિફોર્નિયાનાં સેનેટર કમલા હેરિસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કામગીરીનાં સખત ટીકાકાર રહ્યાં છે. ગઈ કાલે, સેન ફ્રાન્સિસ્કોની પડોશના ઓકલેન્ડમાં સિટી હોલની બહાર એકત્ર થયેલાં પોતાનાં સમર્થકો સમક્ષ હેરિસે 2020ની યુએસ પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ઝૂકાવવાની એમણે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. એમણે પોતાનાં પ્રચારનાં શ્રીગણેશ કર્યાં હતાં અને એમનો નારો છેઃ ‘આ આપણું અમેરિકા નથી’ (નોટ અવર અમેરિકા).
હેરિસનો જન્મ ઓકલેન્ડમાં જ થયો હતો.
2020ની પ્રમુખપદની ચૂંટણી જીતીને અમેરિકાનાં પહેલાં જ અશ્વેત મહિલા પ્રમુખ બનવાની હેરિસ આશા ધરાવે છે. કમલા હેરિસનાં પિતા જમૈકાનાં છે અને માતા ભારતીય તામિલ છે.
બરાક ઓબામાએ 2007માં આ જ સ્થળેથી કેલિફોર્નિયાનાં મતદારોને સંબોધિત કર્યા હતા અને એના એક વર્ષ બાદ એ અમેરિકાનાં પ્રથમ અશ્વેત (આફ્રિકન-અમેરિકન) પ્રમુખ બન્યા હતા.
કમલા હેરિસે ગઈ 21 જાન્યુઆરીએ એક વિડિયો રિલીઝ કરીને જાહેરાત કરી હતી કે પોતે પ્રમુખપદની ચૂંટણીમાં ઊભાં રહેશે. ટ્રમ્પ બીજી મુદત માટે ન ચૂંટાય એ માટે ડેમોક્રેટિક પાર્ટીમાંથી બીજા ઘણા નેતાઓએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે કે ઈચ્છા વ્યક્ત કરી છે. હેરિસ એમાંના એક છે.
હેરિસે એમનાં સમર્થકોને સંબોધિત કરતાં કહ્યું હતું કે આપણે અહીંયા એટલા માટે એકત્રિત થયાં છીએ કે અમેરિકાનાં સપનાં અને આપણી અમેરિકન લોકશાહી પર જોખમ આવી પડ્યું છે અને આવું જોખમ અગાઉ ક્યારેય આવ્યું નહોતું. લોકતાંત્રિક મૂલ્યો જ્યારે વિશ્વભરમાં જોખમમાં આવી જાય ત્યારે આપખુદશાહી જોરમાં આવી જાય, અણુશસ્ત્ર પ્રસારણ પ્રવૃત્તિઓ વધી જાય, વ્હાઈટ હાઉસને વિદેશી સત્તાઓ અભડાવી જાય તેથી એવા સંજોગોમાં આપણે સત્ય ઉચ્ચારવું જ જોઈએ.
કમલા હેરિસનાં આ નિવેદનોને એમનાં સમર્થકોએ તાળીઓનાં ગડગડાટ અને હર્ષનાદો સાથે વધાવી લીધા હતા.
હેરિસે પ્રમુખ ટ્રમ્પનું નામ લીધું નહોતું, પરંતુ એમના પરંપરા-વિરોધી વહીવટીતંત્રની વિભાજનકારી નીતિઓ પર સીધો આકરો પ્રહાર કર્યો હતો.
હેરિસે ટ્રમ્પની નિષ્ફળ ગયેલી નીતિઓ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે એમની નીતિઓને કારણે વસાહતી બાળકો એમનાં માતા-પિતાથી અલગ થઈ ગયાં છે અને ગુફા જેવી સ્થિતિમાં દિવસો વિતાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ટ્રમ્પની સામે હરીફાઈમાં ઉતરવાનો નિર્ણય લેનાર અથવા નિર્ણય લેવા વિચાર કરતાં હોય એવા ઉમેદવારોનાં નામ આ મુજબ છેઃ કમલા હેરિસ, એલિઝાબેથ વોરન (મેસેચ્યૂશેટ્સનાં સેનેટર), તુલસી ગબ્બાર્ડ (હવાઈનાં સંસદસભ્ય), કર્સ્ટન ગિલીબ્રાન્ડ (ન્યૂયોર્કના સેનેટર), જુલિયન કાસ્ટ્રો (ભૂતપૂર્વ હાઉસિંગ સચિવ)