મેલબર્ન– વૈજ્ઞાનિકોએ ઓછી ખર્ચાળ અને એક પ્રભાવી પ્રક્રિયા વિકસાવી છે, જેની મારફતે બેકાર થયેલા જીન્સના કપડાને સુતરાઉ કાપડમાં બદલીને ફરી વખત ઉપયોગમાં લઈ શકાશે. આ એવી પ્રગતિ છે જે દર વર્ષે વિશ્વભરમાં નકામાં કપડાંને કારણે બનતાં કચરાના ઢગલાને ખતમ કરવામાં કારગર નીવડશે.
કાપડ સંબંધી કચરામાં સુતરાઉથી બનતા ડેનિમ (જીન્સ) જેવા કપડાં સૌથી વધુ જોવા મળે છે. તો બીજી તરફ કપાસની ખેતી કરવા માટે જમીન અને સંસાધનોની જરૂર છે. કપડાંનું રિસાયકલિંગ કરવા માટેની પદ્ધતિઓ છે પરંતુ તે નિષ્પ્રભાવી અને ઘણી ખર્ચાળ છે. પરંતુ આ નવી શોધથી આ બંને સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
ઓસ્ટ્રેલિયાની ડેકિન યૂનિવર્સિટીના શોધકર્તાઓએ નકામા ડેનિમમાંથી વિસ્કોસ પ્રકારના તાંતણા તૈયાર કર્યાં છે. ભૂતકાળમાં, સંશોધકોએ સુતરાઉ કાપડને ઓગાળવા માટે આયનોઇઝ્ડ પ્રવાહીનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે અને તેમની ચીકાશને લીધે, તેમના પર કામ કરવું મુશ્કેલ હોય છે.
આ વખતે સંશોધકોએ દ્રાવકનું મૂલ્ય 70 ટકા ઘટાડવામાં સફળતા મેળવી છે. તેઓએ ત્રણ પ્રકારના કાપડ બનાવ્યાં અને તેને આયનીય દ્વવ્યના 1 બૂટાઈલ 3 મિથાઈલિમિડોઝોલિયમ એસીટેટ અને ડાયમિથાઈલ સલ્ફોક્સાઈડ (ડીએમએસઓ) ના એક ચતુર્થાંશ ભાગના મિશ્રણમાં ભેળવ્યું.